(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
સુરત અને અમદાવાદના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ પાસ નેતા અલ્પેશ કથિરીયાને અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મળતાં જેલ મુક્તિનો માર્ગ મોકળો થયો છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિનો માર્ગ મોકળો થતાં સુરતના પાટીદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે પાસ નેતા હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયાના પિતા સાથે લાજપોર જેલ પહોંચ્યો હતો. જોકે, અલ્પેશ સાથે મુલાકાત ન થતા હાર્દિક અલ્પેશના ઘરે પહોંચ્યો હતો, અને પરિવારને મળ્યો હતો. દરમિયાન હાર્દિકે પેપર લીક કાંડ અંગે જણાવ્યું હતું કે, તલાટી પેપર લીક બાદ લોક રક્ષક પેપર લીક પણ ઉતર ગુજરાતમાંથી થયું છે. તપાસનો રેલો ભાજપના મોટા નેતા સુધી પહોંચવો જોઈએ.
પ્રાપ્ત માહિતી અનુસાર વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અલ્પેશને તમામ કેસમાંથી જામીન મળી ગયા છે. જેથી ગત રોજ તેની જેલમાંથી મુક્તિ થવાની સંભાવના હોવાથી તેના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલ્પેશની મુલાકાતે અલ્પેશના પિતા અને ધાર્મિક માલવિયા સાથે લાજપોર જેલ પહોંચ્યા હતા. જ્યાં મુલાકાત અંગેની અરજી કરી હતી. જોકે, જેલ પ્રશાસને જેલના કાયદા અને નિયમોને આધિન મુલાકાતની ના કહીં હતી. અલ્પેશ કથીરિયાના બહાર આવ્યા બાદ પાસની રણનીતિ અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશ જેલમાંથી બહાર આવ્યા બાદ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે . જોકે, આજે યોજાનાર મીટીંગમાં નક્કી કરવામાં આવ્યા બાદ જ આગળની રણનીતિ ઘડવામાં આવશે. અલ્પેશ મુક્ત થતા જુસ્સો વધ્યો છે. જેથી અમરેલીમાં ૨૦ ડિસેમ્બરના રોજ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૩મીના રોજ બાલાપરમાં વિશાળ ખેડૂત સભાનું આયોજન થશે.