(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
શહેરના વરાછા વિસ્તારમાં પાટીદારોની ચેટવણી છતાં ભાજપ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પાટીદારોએ બરાબરનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેના કારણે પોલીસે ૩૦ પાટીદાર યુવાનોની અટકાયત કરી હતી. જેને કારણે વરાછા-કાપોદ્રા વિસ્તારમાં વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. જેથી પોલીસે તમામ પાટીદાર યુવાનોને યોગ્ય નિર્ણય લઇ મુક્ત કર્યા હતા.
જો કે આ ઘટનાને પગલે શહેર ભાજપમાં જ નહિં પરંતુ ખુદ પ્રદેશ ભાજપ મોવડી મંડળના અગ્રણીઓમાં પણ આવનાર વિધાનસભા ચૂંટણીઓને લઇને ભારે ચિંતાનું મોજું ફરીવળ્યું છે.
અટકાયત કરાયેલા ૧૨ સહિત કુલ ૩૦ પાસ કન્વીનરોને રાત્રે જ મુક્ત કરી દેવાયા છે. જો કે તેમની સામે ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે મુજબ અગાઉની કાર્યવાહી પણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, સુરતના પાટીદાર બહુમતી ધરાવતા વરાછા વિસ્તારમાં ભાજપની સભા નહીં કરવા દેવાની ચેતવણી આપવા છતાં ભાજપે હિરાબાગ ખાતે વિજય ટંકાર સંમેલનનુ આયોજન કર્યું હતું. જે દરમિયાન પાસ કન્વીનરોએ કાર્યક્રમમાં ટામેટા ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસે ૧૨ જેટલા પાસ કાર્યકર્તાઓની અટકાયત કરતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં પાટીદારોના વિફરેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ટોળાઓએ બીઆરટીએસ સ્ટેન્ડમાં તોડફોડ કરીને બે બીઆરટીએસ બસ પણ સળગાવી દીધી હતી. તેમજ પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી. તેમજ પાટીદાર મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના સેલ છોડીને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જો કે, આજે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પાટીદારોની માંગ મુજબ અટકાયત કરાયેલ તમામ પાસ કાર્યકર્તાઓને મોડી રાત્રે જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો તથા અગ્રણીઓને મોડી રાત્રે જ પોલીસે છોડી દેતા આજે સવારથી પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વરાછા, કાપોદ્રા, એલ.એચ. રોડ તથા પુણા વિસ્તારમાં શાંતિ જળવાઈ રહેતા મોડી રાત્રે ખડકી દેવાયેલા ભારે પોલીસ બંદોબસ્ત પોલીસે પરત ખેંચી લીધો હતો.