(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, જામનગર, તા.૧
જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે આખરે આજે અપેક્ષા મુજબ જ ભાજપનો કેસરિયો ખેસ વિધિવત ધારણ કરી લીધો હતો. જો કે તેમણે આ પ્રસંગે ભાજપને ચોંકવતું વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે પાટીદારોને અનામત આંદોલન વખતે તેમણે ઉશ્કેર્યા હતા. તેઓને આંદોલનમાં મેં મદદ કરી હોવાની કબૂલાત કરવા સાથે અગાઉ વિરોધ કરનાર રાઘવજીએ ભાજપની પંગતમાં બેસતા જ હવે પાટીદારો માટે સરકાર ચિંતિત હોવાની પીપુડી વગાડી હતી. જ્યારે હમણા સુધી કોંગ્રસના વફાદાર રહેનાર અને જેને હાઈકમાન્ડ માનતા હતા તેવા કોંગ્રેસના રાહુલ ગાંધીની ‘પપ્પુ” તરીકેની સોશિયલ મીડિયાની ઓળખ યથા યોગ્ય હોવાનું જણાવી કોંગ્રેસમાં હવે દમ રહ્યો નથી તેમ ઉમેર્યું હતું. આ તકે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની “પપ્પુ” તરીકેની ઓળખ છે તે યથાયોગ્ય છે કારણ કે કોંગ્રેસમાં હવે કંઈ દમ રહ્યો નથી. રાજ્યસભામાં તાજેતરમાં વિજેતા બનેલા અહમદભાઈ પટેલને સલામ કરવી પડે પરંતુ દિલ્હી જઈને હું તેમને મળી શકું તેવી મારી સ્થિતિ નથી. રાઘવજી પટેલે જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે મેં પાટીદાર અનામત આંદોલનને સમર્થન કર્યું હતું અને આ દરમિયાન ઉશ્કેરણી પણ કરી હતી. રાઘવજી પટેલે જણાવ્યું કે છેલ્લા ૬ મહિનાથી મનોમંથન કરી રહ્યો હતો. મેં મારી મનોવેદના કોંગ્રેસના મોવડી મંડળોને કરી હતી. તેમ છતાં કોંગ્રેસને જરાય રસ ન હોવાનું જણાતા આજે ભાજપમાં જોડાઈ રહ્યો છું. કોંગ્રેસમાં નડે તેને પ્રમોશન અને ભાજપમાં હું નહીં એમની ભાવના છે. રાઘવજી પટેલે પાટીદારોને કહ્યું હતું કે શાસકોની કંઈક ભૂલ થઈ ગઈ હોય તેને માફ કરવા જોઈએ અને ભાજપ સાથે જોડાઈ જવું જોઈએ. મુખ્યમંત્રીને કહેવા માગું છું કે પાટીદાર આંદોલન સમયે પોલીસતંત્રનો વાંક હતો તેને સીધા કરજો. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી વિધિવત ધારાસભ્ય તરીકે રાજીનામું આપી આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવવા માટે હાપા માર્કેટયાર્ડમાં તેમનો અભિવાદન સમારોહ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓને કોંગ્રેસ પર દયા આવે છે કેમ કે કોંગ્રેસ જેને કચરો સમજી ફેંકી રહી છે તે જ કંચન સમાન નેતાઓ અહમ બાબતો રચે છે. અને તે જ પ્રજાના સાચા પ્રહરી હોવાનું વર્ણવી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ ભૂતકાળમાં પણ ભાજપ સાથે હતો અને હાલમાં પણ હૃદયમાં સમાયેલા છે માટે પાટીદારોને ચિંતા કરવાની જરૂર નથી.