અમદાવાદ,તા.રપ
પાટીદારો અને ગુજરાત સરકાર વચ્ચે તા.ર૬ સપ્ટેમ્બરના રોજ મળનારી બેઠક અંગે હાર્દિક પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને વિવિધ મુદ્દાઓને આવરી લઈને પાસ તરફથી ૧૮ સભ્યોની યાદી મોકલી છે. પત્રમાં હાર્દિકે જણાવ્યું છે કે પાટીદાર અનામત આંદોલન મુદ્દે સરકારે હકારાત્મક અભિગમ સાથે ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) પણ હંમેશા સમાજના હિત માટે ચર્ચા કરવા તત્પર છે. આ બાબતે અગાઉ ત્રણથી ચાર વખત સરકાર સાથે ચર્ચા કરી અમારા મુખ્ય મુદ્દા આપ્યા છે. ત્યારે આશા છે કે સરકાર આ મુદ્દાઓ વિશે હકારાત્મક વિચારણા અને તૈયારી કરી હશે. આ ચર્ચા અસરકારક અને વધુ સારી રીતે થાય તે માટેની માગ કરતા હાર્દિકે જણાવ્યું કે ચર્ચા વખતે માત્ર સરકારના જ પ્રતિનિધિઓને હાજર રાખવા પક્ષના પ્રમુખ કે હોદ્દેદારોને નહીં પાસ અને એસપીજી બંને સંસ્થાઓના નકકી કરેલા મર્યાદિત પ્રતિનિધિઓને જ ચર્ચામાં હાજર રાખવા અગાઉ સરકાર સાથેની ચર્ચાઓની જેમ આ વખતે પણ ચર્ચામાં મર્યાદિત સંખ્યામાં પ્રતિનિધિઓ હોય તો જ અસરકારક અને પરિણામલક્ષી ચર્ચા થઈ શકે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે સરકારે સમાજના હિતમાં વાર્તાઓ નહીં પણ સાચા અર્થમાં ચર્ચા કરવી હોય તો મર્યાદિત પ્રતિનિધિઓને જ હાજર રાખે. તેમ કહી હાર્દિકે પાસના ૧૮ સભ્યોનું લીસ્ટ પત્રમાં મોકલી દીધું છે. જો કે પાસના ૧૮ સભ્યોના લીસ્ટમાં હાર્દિક પટેલનું નામ જ નથી. એટલે કે આ બેઠકમાં હાર્દિક પટેલ જશે નહીં તેવું ફલિત થાય છે.