(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી એક ગર્ભવતી મહિલાના કુખમાં રહેલો ગર્ભ અન્યનો હોવાનો વહેમ રાખી, તેણીની પતિએ દીવાલ સાથે માથુ અથડાવી હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં સામે સચીન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચીન જીઆઈડીસી પાલીગામ લક્ષ્મી રેસિડેન્સી મકાન નં.૧૦૮માંથી વંદના બબલુ ઉર્ફે જીતુ મિશ્રાની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં આ મહિલાની હત્યા થઈ હોવાનું બહાર આવતાં પોલીસે મરણજનાર વંદનાના પતિ બબલુ ઉર્ફે જીતુ આસારામ મિશ્રાની સધન પૂછપરછ હાથ ધરી હતી. સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી બબલુ મિશ્રા અને મરણજનાર વંદના છેલ્લા સાતેક માસથી પતિ-પત્ની તરીકે રહેતાં હતા. આરોપી પતિએ ગર્ભ પોતાનો નહીં હોવાનો શક રાખી અવાર નવાર ઝઘડો કરતો હતો. બનાવ સમયે આ મુદ્દે બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં આરોપી પતિએ પત્ની વંદનાના વાળ પકડી માથુ દીવાલ સાથે અફડાવી હત્યા કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પતિ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.