(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
ખજોદ ખાતે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટની નવનિર્મિત બિલ્ડિંગના સાતમાં માળેથી વિનોદ કરનાકર નામના મજૂરનું પટકાતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઘટનામાં વેસુમાં આકાર પામી રહેલા એરાઈઝ નામના પ્રોજેક્ટ પર પણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મજૂરની સ્થિતિ ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
ખજોદ ખાતે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટના ૧૫ માળની નવનિર્મિત બિલ્ડિંગમાં ૪૫ વર્ષીય વિનોદ કરનાકર કામ કરતો હતો. મંગળવારે સવારે સાત વાગ્યાના અરસામાં સાતમા માળે કામ કરતા-કરતાં છેક નીચે પટકાયો હતો જ્યાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.અન્ય ઘટનામાં ૨૮ વર્ષીય રાજેન્દ્ર પ્રીતમ પંચમ વેસુ વીઆઈપી રોડના સંગીની એરાઈઝ નામના નવનિર્મિત બિલ્ડિંગના ૧૩મા માળે પ્લાસ્ટર ચઢાવવાનું કામ કરતો હતો. સવારે ૧૩મા માળે પ્લાસ્ટર પ્લાસ્ટર ચઢાવવાનું કામ કરતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાતા ગ્રાઉન્ડ ફ્લોરના આરસીસી સ્લેબ પર પટકાયો હતો. તેને ત્વરિત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સ્થિતિ નાજુક છે.
હાઈરાઈઝ બિલ્ડિંગ્સ પર સેફ્ટીની સુવિધાનો અભાવ
બિલ્ડિંગના કામકાજ દરમિયાન મજૂરોની સેફ્ટી માટે સરકાર દ્વારા કાયદા ઘડવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગના કોન્ટ્રાક્ટરોને મજૂરોના કિંમતી જીવની ચિંતા નથી. બિલ્ડરો પણ કોન્ટ્રાક્ટરનો ભરોસે કામ સોંપીને નિશ્ચિંત બની જાય છે જેને કારણે મજૂરોના જીવ સામે સતત જોખમ તોળાતું રહે છે. પાલિકા દ્વારા સેફ્ટીના નિયમો અંતર્ગત પગલાં લેવાવા જોઈએ એમ સ્વૈચ્છિક સંસ્થાઓએ માંગ કરી છે.