જામનગર, તા.૭
ખંભાળિયાના વાડીનારમાં પાંચ વર્ષ પહેલા એક પરિણીતાને પતિ સહિતના છ સાસરિયાઓએ જીવતી સળગાવી નાખ્યાનો ગુન્હો નોંધાયા પછી તે કેસ ચાલી જતાં અદાલતે પતિને આજીવન કેદની સજા ફટકારી છે.
ખંભાળિયા તાલુકાના વાડીનારમાં રહેતા જુસબ સાલેમામદ સંઘારના નિકાહ સિક્કાની રૂકસાનાબેન સાથે થયા પછી આ દંપતીના પંદર વર્ષના લગ્નગાળામાં અવારનવાર કંકાશ થતો હતો. જ્યારે સંતાનમાં બે પુત્રી તથા એક પુત્રની પ્રાપ્તિ થઈ હોવા છતાં પતિ જુસબ ઘરખર્ચમાં ઠાગાઠૈયા કરતો હોય, રૂકસાનાબેન અવારનવાર પૈસાની માગણી કરતા હતા.
આ બાબતથી ઉશ્કેરાયેલા જુસબે ઘરમાં પડેલું કેરોસીન ભરેલું ડબલું રૂકસાના પર રેડી દીધું હતું. આથી પતિનો ઈરાદો માપી ગયેલા રૂકસાનાબેને દોટ મૂકી હતી, પરંતુ સાસુ રહેમતબેન, સસરા સાલેમામદ એલિયાશ, નણંદ યાસ્મીન, નફીશા તથા મોમીનાબેને આડા ઉભા રહી જઈ યાસ્મીનબેનને પકડી લીધા હતા. ત્યાર પછી રાક્ષસ બની ગયેલા જુસબે યાસ્મીનબેન પર સળગતી દીવાસળી ફેંકતા ભડભડ સળગી ઉઠેલા આ મહિલા ઘરની બહાર નીકળી ગયા હતા. આ વેળાએ પાડોશીઓએ યાસ્મીનબેનને બચાવવાનો પ્રયાસ કરી તેણીને દવાખાને ખસેડ્યા હતા તે દરમ્યાન સારવાર હેઠળ રહેલા યાસ્મીનબેનનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોલીસે સક્ષમ અધિકારીઓ સમક્ષ યાસ્મીનબેનનું નિવેદન નોંધતા તેણીએ ઉપરોકત બનાવ વર્ણવ્યો હતો.આ કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે આરોપી પતિ સામેનો ગુન્હો પુરવાર માની તેને આજીવન કેદની સજા તથા રૂા.૨ હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે બાકીના આરોપીઓનો શંકાના આધારે છૂટકારો થવા પામ્યો છે.