(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
શહેરનાં બાપોદ જકાતનાકા પાસે આવેલ હિરાબાનગરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્ની ઉપર કેરોસીન છાંટી જીવતી સળગાવાની કોશિષ કરી હતી. દાઝી ગયેલ પત્નીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે પાણીગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર બાપોદ જકાતનાકા પાસે આવેલ હિરાબાનગરમાં રહેતાં ગીતાબેન વાદી (ઉ.વ.૩૫) તેના પતિ કિશનભાઇ અને તેના ચાર સંતાનો સાથે રહે છે. તેનો પતિ વી.સી. ચલાવતો હોય વીસીની ઉઘરાણીના રૂપિયા દારૂ-જુગારમાં ઉડાવી દીધાના મામલે પત્ની ગીતા અને પતિ કિશન વાદી વચ્ચે રૂપિયા મામલે ઝઘડો થયો હતો. ઝઘડાના આવેશમાં પતિ કિશને પત્ની ગીતા ઉપર સ્ટવમાં ભરેલું કેરોસીન તેણી ઉપર છાંટી જીવતી સળગાવી હતી. આ બનાવમાં ગીતા વાદી પહેરેલા કપડાને કારણે આખા શરીરે દાઝી ગઇ હતી. જોકે ગીતાબેને બુમા બુમ કરતાં લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ બે દિવસ માટે બહેનને ઘરે રહેવા આવેલી ગર્ભવતી બહેન સુનિતા તેની મોટી બહેન ગીતાને લઇને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ૧૦૮ સાથે આવી હતી.