(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના ભેસ્તાન આવાસમાં દારૂડિયા પતિએ બાળકોને કાજુ લેવા મોકલી રૂમનો દરવાજો બંધ કરીને પત્નીને ૧૨થી વધુ ઘા મારી હત્યા કરી હતી. મોબાઈલ સીમ કાર્ડને લઈ થયેલી નજીવી બોલાચાલીમાં શકીલે પત્ની સાઈનાની હત્યા કરી હતી. પત્નીની ક્રૂરતા પૂર્વક હત્યા બાદ હત્યારા પતિએ જ પોલીસને ફોન કરી જાણ કરી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી લીધો હતો.
નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતક સાઈનાબીબી (ઉ.વ. ૨૬)ના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ૮ વર્ષ પહેલાં જ સાઈનાના શકીલ સાથે નિકાહ થયા હતાં. લગ્ન બાદ સાઈનાને ૪ સંતાન અવતર્યા હતા. શકીલ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ૨૪ કલાક દારૂના નશામાં રહેતો શકીલ વારંવાર પત્નીની સાથે મારઝુડ કરતો હતો. શુક્રવારની મોડી રાત્રે દારૂ પીને આવેલા શકીલે સિમકાર્ડના મુદ્દે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ચારેય બાળકોને રૂપિયા આપી કાજુ લઈ આવવા ઘર બહાર મોકલી દીધા હતા. આ દરમિયાન રૂમને અંદરથી બંધ કરી પત્ની સાઈના પર હુમલો કરી દીધો હતો. ૧૦ વર્ષના ભત્રીજા સામે શકીલે પત્નીને ૧૨ ઘા માર્યા હતા. બચાવવા ગયેલા ભત્રીજાના હાથે પણ એક ઘા વાગ્યો હતો. હાલ ભત્રીજો ડરી ગયો હોવાથી ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યો. હત્યા બાદ શકીલે જ પોલીસ બોલાવી ગુનો કબુલ કરી સરેન્ડર થઈ ગયો હતો. હાલ પાંડેસરા પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.