(સંવાદદાતા દ્વારા)
ડીસા, તા.ર૧
ડીસામાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી લાશ ફેંકી દેતા ચકચાર મચી ગઇ હતી. પત્નીને ગળે ટૂંપો દઈ મારી નાંખ્યા બાદ પતિએ તેની લાશને અવાવરૂં જગ્યાએ ફેંકી દીધી હતી. સાતેક દિવસ અગાઉ પતિ તેની પત્નીને ઉઠાવી ગયો હોવાથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ અચાનક બુધવારે ડીસાના ભોયણ ખાતેથી લાશ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. જો કે, ડીસા તાલુકા પોલીસે હત્યારા પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.
ડીસામાં એક યુવકે પોતાની પત્નીની ઇરાદાપૂર્વક પ્લાન સાથે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ધાનપુર ગામની એક છોકરીના લગ્ન વિરોલ ગામના યુવાન સાથે થયા હતા. જો કે, અગમ્ય કારણોસર સાતેક દિવસ અગાઉ તેનો પતિ ભરતભાઇ તેને જબરજસ્તી ઉપાડી ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. જો કે, અચાનક બુધવારે યુવતિની લાશ મળતા ચકચાર મચી ગઇ છે.સૂત્રોએ જણાવ્યું કે, યુવકે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેણીની લાશ ડીસાના ભોયણ નજીક ફેંકી દીધી હતી. પરંતુ લાશ ખૂલ્લામાં પડી હોવાથી જાનવરોએ ફાડી ખાધી હોવાનું સામે આવ્યુ છે. લાશ એટલી હદે ફાડી ખાધી હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. હત્યાને લઇ યુવતિના પરિવારજનોએ તેના પતિને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે.