અમદાવાદ, તા.૧૩
ટેકનોલોજીના આધુનિક યુગમાં જ્યારે દુનિયા એક તરફ ચંદ્ર ઉપર રહેવા જવાની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ હજુ પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે. આવા જ અંધશ્રદ્ધામાં રહેલા અમદાવાદના એક પરિવારે આત્મા હેરાન કરતી હોવાથી સામૂહિક આપઘાત કરી લીધો છે. જો કે, કોઈ પણ બાબતનો ઉકેલ એ આપઘાત નથી ત્યારે આપઘાત કરવાથી શું મળે ? અમદાવાદના નરોડામાં વેપારીએ પત્ની અને દીકરી સાથે આપઘાત કરી લેવાની ઘટના પાછળ પારિવારિક અથવા આર્થિક સ્થિતિ હોવાનું પોલીસ માનતી હતી, પરંતુ ગઈકાલે આપઘાત કરનારા વેપારીથી સુસાઈડ નોટ સામે આવતા કાળી વિદ્યા જવાબદાર હોવાની ચર્ચા ચાલી હતી, ત્યારે ગુરૂવારે પોલીસ તપાસમાં વેપારીની પત્નીની સુસાઈડ નોટ બહાર આવી છે. જેમાં વેપારીની તકલીફો પાછળ તેની પૂર્વ પ્રેમિકાની આત્મા હોવાનું સામે આવ્યું છે. સુસાઈડ નોટમાં પૂર્વ પ્રેમિકા હેરાન કરતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ, આ સામૂહિક હત્યા કેસમાં હજુ ઘણા રહસ્યમય ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. આ મામલે કૃણાલના સંબંધીઓએ પોલીસને જણાવ્યા મુજબ, લગ્ન પહેલા કૃણાલ એક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ પારીવારિક કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદ તેની પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી હોવાની આશંકા હતી. ગુરૂવારે કૃણાલની પત્નીની સુસાઈડ નોટ મળી છે. જેમાં કવિતા સુસાઈડ નોટમાં લખે છે કે, મા-બાપુ,પ્રણામ-બાપુ-મા આજ સુધીની તકલીફો માટે મને માફ કરી દેજો. મા અમે એક કરોડમાં મકાન વેચી દીધું, તમામને પૈસા ચૂકવ્યા બાદ જે પૈસા બચ્યા તે મેં અને કૃણાલે વહેંચી લીધા. હું મારા પુરા પૈસા તમને આપીને જઈ રહી છું. આજ સુધી મેં જે કંઈ બચાવ્યું તે મારા અને શ્રીન માટે બચાવ્યું હતું. આજે હું શ્રીનનો હિસ્સો તમને આપવા માગું છું. ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દેવા માગતી હતી. આત્માના હેરાન કરવા અંગે કવિતા આગળ લખે છે કે, ના તો તે મારવા માગતી હતી કે, ના તો જીવવા દેવા માગતી હતી. આથી, ખૂબ વિચાર્યા બાદ આ પગલું ભરી રહ્યા છીએ. તમે ક્યારેય એવું ના વિચારતા કે, શું માણસને આટલી તકલીફ આવી શકે છે, કે દર બે-ચાર દિવસમાં એક નવી વાત સાંભળવા મળે છે અને તે અમને શાંતિથી જીવવા દેવા માગતી નથી. દુનિયા આ વાતને સમજશે નહીં અને ઉલટા પાગલ કહેશે. આથી, અમે બધા સાથે જઈ રહ્યા છીએ, કૃણાલ તરફથી કોઈ જબરદસ્તી નથી. મેં ખૂબ જ વિચાર્યા બાદ આ નિર્ણય કર્યો છે કે, કારણ કે, કૃણાલ વિના જીવવું ખૂબ મુશ્કેલ છે. આ દુનિયા અમને મા-દીકરીને જીવવા દેશે નહીં. હું જલ્દીમાં છું, ભૂલો માફ કરશો. કવિતાએ પોતાની સુસાઈડ નોટમાં આગળ લખે છે કે, શ્રીનને હું સાથે લઈ જઈ રહી છું. આ પૈસાથી આ ઘર સારૂં બનાવી લેજો, અને જે કંઈ દાન-પૂણ્ય કરવું હોય તે કરી લેજો. તેમાંથી સાત બાળકોને જે કંઈ મારા તરફ લાગે તે તમે આપી દેજો. આ પૈસામાંથી ૧૦,૦૦૦ સરિતા અને ૧૦,૦૦૦ નીતુને આપી દેજો, કારણ કે આ પૈસા મને આપ્યા હતા. મા આ પૈસાથી તારૂં થોડું કામ તો ચાલી જશે કારણ કે, હવે હું ઉપર બાધાઓથી પરેશાન થઈ ગઈ છું. કવિતા પોતાની સુસાઈડ નોટના અંતિમ પેજ પર કૃણાલની પ્રેમિકા અંગે લખે છે કે,મારી સાસુ આ તમામ વાતો જાણે છે. કારણ કે, તે જીવનની તમામ તકલીફોનું કારણ તે જ રહી કારણ કે, કોઈ યુવતી કૃણાલને ચાહતી હતી અને તેણે આ લોકોને કહ્યું હતું અને કૃણાલ પોતાના માતા-પિતાની મરજી વિરૂદ્ધ લગ્ન કરવા માગતો હતો, પરંતુ તે યુવતીએ બાદમાં આત્મહત્યા કરી લીધી, અને તેના કારણે જ આ તમામ મુશ્કેલીઓ આવી રહી હતી, તે કૃણાલને લઈ જવા માટે વારંવાર પ્રયાસ કરી રહી હતી અને કોઈને કોઈ ખોટું કામ કરાવી રહી હતી. તેના કારણે પરેશાનીઓ વધી રહી હતી. હવે અસહનીય થઈ ગયું હતું કારણ કે તે શ્રીન પર પણ હુમલો કરવા લાગી હતી.