(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧૩
લાલપુરના એક પત્રકાર પર ગઈકાલે ચાર શખ્સોએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે, જ્યારે સાધના કોલોનીમાં જમાઈએ સાસુને ઢીકાપાટુ વડે માર મારી પોલીસ કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી છે. લાલપુરની શિવનગર સોસાયટીમાં રહેતા અને પત્રકાર તરીકે કામ કરતા કાંતિભાઈ ખીમજીભાઈ ચાવડા નામના યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘર પાસેથી પસાર થતો હતો, ત્યારે ત્યાં ધસી આવેલા રવિ સોમાભાઈ પરમાર, જવલા પરમાર, રવિના ભત્રીજા તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રોકી લીધા હતા. આ શખ્સોએ ધોકા, પાઈપ વડે કાંતિભાઈને સારી પેઠે લમધારી નાખતા લોહીલુહાણ હાલતમાં આ પત્રકારને દવાખાને ખસેડવામાં આવ્યો છે, જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓના જણાવ્યા મુજબ, બેક મહિના પહેલાં રવિ સોમા પરમારનું લાલપુરમાંથી રેતી ભરેલું ટ્રેકટર પસાર થતું હતું, ત્યારે કાંતિભાઈએ તેને રોકી રેતી બાબતે પૂછ્યું હતું. આ બાબતનો ખાર રાખી તેમના પર ગઈકાલે હુમલો કરાયો છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.