(સંવાદદાતા દ્વારા)
સુરત/અમદાવાદ, તા.૧૯
દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ બુલેટ ટ્રેનને લઈ સરકાર સામે બાંયો ચઢાવી છે અને દિન-પ્રતિદિન તેનો વિરોધ વધી રહ્યો છે ત્યારે બુલેટ ટ્રેનને લઈ ખેડૂતોની સમસ્યા શું છે. તેની જાત માહિતી મેળવવા જાપાનના પત્રકારોનું એક પ્રતિનિધિમંડળ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યું છે જ્યાં તેમણે સુરત અને નવસારી જિલ્લાના ર૮ ગામોના બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતોને મળી તેમની સમસ્યા જાણી હતી.
બુલેટ ટ્રેનના અસરગ્રસ્તો, ખેડૂતોની સ્થિતિ અંગે વાસ્તવિક જાણકારી મેળવવા આજે જાપાની મીડિયાના પ્રતિનિધિઓ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં પહેલાં સુરતમાં જહાંગીરપુરા ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ નવસારીના આમડપોર ગામે મીડિયા ટીમ રવાના થઇ હતી.
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જાપાન ભારત સરકારનું મહત્ત્વનું પાર્ટનર છે. જાપાનની ઝીકા નામની એજન્સી મુખ્ય ફાયનાન્સ કરી રહી છે, અને ઝીકાનું પ્રતિનિધિ મંડળ પણ ત્રણેક મહિના અગાઉ બુલેટ ટ્રેનના અસરગ્રસ્ત ખેડૂતોનું મંતવ્ય જાણવા દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે અસરગ્રસ્તોએ સરકારી તંત્રની જમીન સંપાદનની નીતિરીતિનો ઝીકાના પ્રતિનિધિઓ સમક્ષ ભારે વિરોધ કર્યો હતો. ઝીકાના પ્રતિનિધિઓ બાદ હવે જાપાનના મીડિયાના પ્રતિનિધિઓ પણ બુલેટ ટ્રેન સંદર્ભે ભારત આવ્યા છે. જેઓએ આજે દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. તેને લઈને દક્ષિણ ગુજરાતના ર૮ ગામોની જમીન સંપાદન કરવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જમીન સંપાદનની કામગીરીનો અસરગ્રસ્તો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને જમીનની વાસ્તવિક બજાર કિંમતને આધાર બનાવવાની જગ્યાએ જંત્રીને આધાર બનાવવાની નીતિનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને પગલે નવસારીના ૨૮ ગામોમાંથી પાંચ ગામોમાં તો ભારે વિરોધને કારણે જમીન માપણી પણ આજદિન સુધી કરી શકાઈ નથી. અત્રે નોંધનીય છે કે જાપાનની મીડિયા પ્રતિનિધિઓએ ખેડૂતોની વ્યથા સાંભળી હતી જેનો એક અહેવાલ તૈયાર કરી તે જાપાનના તંત્રને સુપરત કરશે. આને આધારે આગળ શું કાર્યવાહી કરી શકાય તેનો નિર્ણય કરવામાં આવશે.