કચ્છ, તા.૬
માલિકોની જોહુકમી દિવસેને દિવસે વધતી જતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સાનો વીડિયો કચ્છા ગાંધીધામમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા ટ્રક ચાલકને પટ્ટાથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ વીડિયો ઓફિસમાં હાજર એક વ્યક્તિએ ઉતાર્યો હોવાનું અનુમાન છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે કચ્છના ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ માલિક દ્વારા ટ્રક ચાલકને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોતાની ટ્રક પલટી ખાઇ જતાં તેનો જવાબદાર ટ્રક ચાલક હોવાનું માનીને ઉશ્કેરાયેલા માલિકે ટ્રક ચાલકને ઓફિસમાં જ પટ્ટા વડે ઢોર માર માર્યો હતો.
વીડિયોમાં દેખાય છે એમ ટ્રક ચાલકને પકડી માલિક પટ્ટા વડે તૂટી પડ્યો છે. તો ડ્રાઇવર ઓ સાહેબ… ઓ સાહેબ છોડ દો …. જેવી આજીજી કરતો રહે છે છતાં પણ માલિકને સહેજ પણ દયા આવતી નથી અને હેવાનની જેમ ટ્રક ડ્રાઇવર ઉપર તૂટી પડ્યો છે. અંતે ગુસ્સો શાંત થતાં ટ્રાન્સપોર્ટના માલિક તેને છોડી દે છે. જો કે, માલિકની હેવાનિયતનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે.