(એજન્સી) મુંબઇ, તા. ૨૬
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે શપથ લેવાના માત્ર ૮૦ કલાકમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે આજે બુધવારે જ ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો પણ તેમણે તેની રાહ જોયા વિના જ રાજીનામું આપી દીધું હતું. આ પહેલા એનસીપીના અજીત પવારે પણ પોતાના ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું. બુધવારે ઉદ્ધવ ઠાકરેના સીએમપદે નવી સરકાર બનવા જઇ રહી છે. જેમાં એનસીપીના જયંત પાટિલ અને કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ નાયબ મુખ્યમંત્રી બને તેમ છે. બીજેપીના ધારાસભ્ય કાલિદાસ કોલંબેકરની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે ર૮ નવેમ્બરે સાંજે પ.૩૦ વાગે શિવાજી મેદાનમાં મુખ્યમંત્રીના શપથ લેશે. દરમિયાન એનસીપીના નેતા નવાબ મલિકે જાહેરાત કરી હતી કે, ઉદ્ધવ ઠાકરે નવી સરકારના નેતા હશે અને તેઓએ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, ફડનવીસ સરકાર પડવાની સાથે ભાજપના અહંકારમાં ગાબડું પડી ગયું છે. તેમણે કહ્યું કે, આ મહારાષ્ટ્રના લોકોનો વિજય છે અને તેમણે ભાજપના નેતાઓના અહંકારને ભાંગ્યો છે. ભાજપની નેતાગીરી પાસે ૧૪૫ ધારાસભ્યોની જરૂરી બહુમતિ નહીં હોવાથી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલાં જ ભાજપે મેદાન છોડી દીધુ હતુ અને નવી સૂચિત સરકારને શુભેચ્છાઓ પાઠવીને મજબૂત વિરોધપક્ષની ભૂમિકા નિભાવવા વિપક્ષની પાટલી પર બેસવાની પણ જાહેરાત કરી હતી. એનસીપીના સુપ્રિમો શરદ પવારે ગઇકાલે મંગળવારે ૧૬૨ ધારાસભ્યોને જાહેરમાં રજૂ કરતાં રાજકીય પરિસ્થિતિ બદલાવવાનું શરૂ થયું હતું. અને આજે સુપ્રીમના ચુકાદા બાદ ભાજપની છાવણીમાં ફ્લોર ટેસ્ટમાં હારી જવાશે, બહુમતિ નથી એમ ઠરાવીને પહેલા ૨.૩૦ વાગે અજીત પવાર અને ૩.૩૦ વાગે ફડણવીસે રાજીનામાની જાહેરાતો કરતાં સમગ્ર ઘટનાઓ ઝડપભેર બદલાતી જતી હતી. ગોવા,મણિપુરમાં આવી જ રાજકિય સ્થિતિમાં ભાજપે સરકાર બનાવી ત્યારે પક્ષના અધ્યક્ષ અમિત શાહને ભાજપના ચાણક્ય ગણાવાયા હતા. પરંતુ મહારાષ્ટ્રમાં ચાણક્ય ફાવી શક્યા નહીં તે માટે સૂત્રો શરદ પવારને જશ આપી રહ્યાં છે. દેવેન્દ્ર ફડનવીસે રાજીનામાની ઘોષણા કર્યા બાદ રાજભવન જઇને રાજ્યપાલનો પોતાનું રાજીનામુંં સોંપી દીધું હતું. પત્રકાર પરિષદમાં ફડનવીસને પુછવામાં આવ્યું કે, અજીત પવાર પાસેથી સમર્થન લેવાનો નિર્ણય ખોટો હતો ત્યારે તેમણે કહ્યું કે, ભૂલ થઇ છે કે, નહીં તે વિશે પછી વિચારીશું. તેમણે કહ્યું કે ચૂંટણીમાં તેઓ ચૂંટાઇને આવ્યા છે અને એનસીપીએ તેમને નેતા વિધાનસભા નિયુક્ત કર્યા હતા. હવે સરકાર બનાવવા માટે વિધાયક દળના નેતાની વાત તો સાંભળવી જ પડે ને. એવું માનવામાં આવે છે કે, દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને એવું લાગી ગયું હતું કે તેઓ ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરી શકશે નહીં.