(સંવાદદાતા દ્વારા) પાવીજેતપુર, તા.૧૮
પાવીજેતપુર બોડેલી તાલુકાની શાળાઓમાં અભ્યાસ કરતી ધો.૯ની આદિવાસી બાળાઓને સરકારી યોજના અંતર્ગતની સાયકલો કાર લાગેલી મળતાં બાળાઓ તથા વાલીઓમાં તંત્ર પ્રત્યે રોષનો જ્વાળામુખી ભભૂકી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ સરસ્વતી વિદ્યા સાધના યોજના અંતર્ગત ધો.૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શાળામાં આવવા-જવામાં સરળતા રહે તે હેતુસર ત્રણથી સાડા ત્રણ હજારની કિંમતની સાયકલો વિનામૂલ્યે આપવામાં આવે છે. જે સાયકલો વર્તમાન સમયમાં આદિવાસી બાળકોને આપવામાં આવી છે તે નવી-નવી સાયકલોને પણ કાટ લાગી ગયો છે. સાયકલના સ્ટેરીંગ ઉપર, ઘંટડી ઉપર, ચીપ્યા ઉપર, સાયકલના લોક ઉપર, સાયકલની ચેન ઉપર વગેરે વિવિધ જગ્યાઓ કાટ લાગેલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. આદિવાસી બાળાઓને સાયકલો મળતાં જ સાયકલ સ્ટોર ઉપર જઈ કાર દૂર કરાવી, ટ્યુબોમાં હવા પુરાવી, સર્વિસ કરાવી ત્રણસોથી ચારસો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. કટાયેલી સાયકલો માટે જવાબદાર કોણ ? આ પ્રશ્ન જનતામાં ઊઠી રહ્યો છે.
પાવીજેતપુર તાલુકાના મદદનીશ આદિજાતિ તાલુકા વિકાસ અધિકારી મોહનભાઈને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બોડેલી તાલુકાની ૧૯ શાળાઓમાં તથા પાવીજેતપુર તાલુકાની ૧૮ શાળાઓ મળી કુલ ૩૭ શાળાઓ ધો.૯માં અભ્યાસ કરતી આદિવાસી બાળાઓને પાવીજેતપુર તાલુકાની આદર્શનિવાસી આશ્રમશાળા નાની રાસલી ખાતેથી વિતરણ કરવામાં આવે છે. મોહનભાઈએ જણાવ્યું હતું કે આ સાયકલો મૂકવા માટેનું કોઈ અલગ ગોડાઉન નથી. તેમજ સ્ટોર-પાર્ટસ લાવી નાની રાસલી ખાતે આદર્શ નિવાસી શાળામાં ફીટ કરી નવી સાયકલ બનાવવામાં આવે છે. રૂમોના અભાવના કારણે કેટલીક સાયકલોને બહાર મૂકવાની ફરજ પડતાં પાણી લાગતા કાટ આવી ગયો છે જે સ્વભાવિક છે.