પાવીજેતપુર, તા.ર૭
પાવીજેતપુરમાં સવારે બાર વાગ્યા સુધી છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોય તેમજ સુખી ડેમ વિસ્તારમાં પ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સુખી ડેમના ૬ દરવાજા ૩૦ સેન્ટીમીટર ખોલી ૧ર૩૬પ૯ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
ગત રાત્રીથી મેધાની સવારી પાવીજેતપુર પંથકમાં ધીમે-ધીમે શરૂ થઈ છે. સવારે ૬ વાગ્યાથી મેઘોમન મુકીને વરસવા લાગતા ૧ર વાગ્યા સુધી ૧પ૬ એમ.એમ. જેટલો કે ૬ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. આગાઉનો ૧૦૧૬ એમ.એમ. વરસાદ મળી સિઝનનો કુલ ૧૧૭ર એમ.એમ. વરસાદ થયો છે. વરસાદ મન મૂકીને વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે સુખી ડેમ વિસ્તારમાં બપોરે એક વાગ્યા સુધી ૧૧૩ એમ.એમ. એટલે કે પ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોય આગળનો ૧૪૪૦ મળી કુલ ૧પપ૩ એમ.એમ. વરસાદ પડ્યો છે. સુખી ડેમ વિસ્તારમાં વરસાદનું જોર વધતાં જ સુખી ડેમમાં પાણીનો પ્રવાહ વધવા લાગતા નીચાણવાળા વિસ્તારોનાં ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. સુખી ડેમનું હાલનું રૂલ લેવલ ૧૪૭.૧૮ હોય જે લેવલને પાણી ક્રોસ કરી જતા ૧૪૭.પ૬ મી. લેવલ થઈ જતા સુખી ડેમના છ દરવાજા ૩૦ સેન્ટીમીટર ખોલી ૧ર૩૬પ૯ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. લાંબા સમય પછી સુખી ડેમના દરવાજા ખોલવામાં આવતા તાલુકાની જનતા નયનરમ્ય દૃશ્યો નિહાળવા સુખી ડેમ દોડી ગઈ હતી. જ્યારે રામી ડેમ ૧૯૬.૯૦નું લેવલ ક્રોસ કરી પપ સેન્ટીમીટર ઉપરથી પાણી વહી જતું હતું.
પાવીજેતપુર પંથકમાં ૬ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સુખી ડેમના ૬ દરવાજા ૩૦ સેન્ટીમીટર જેટલા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું.