છોટાઉદેપુર, તા.૩૦
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પી.એસ.આઈ. વિરૂધ્ધ થઈ રહેલા વિરોધને લઈ પોલીસ બેડા સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામેલ છે. ત્યારે આજરોજ તે જ ગામના કેટલાક ગ્રામજનો જિલ્લા કલેકટર કચેરીએ આવી અને સદર પી.એસ.આઈ સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે દિવસથી પાવીજેતપુર પોલીસ સ્ટેશન સામે વાવ ગામે બનેલા ઝઘડાની ઘટનામાં પોલીસ દમન ગુજાર્યો હોઈ તેના વિરોધ માટે ધરણા કરી પી.એસ.આઈ. સામે કાર્યવાહીની માંગ કરવામાં અવાી હતી. ત્યાં આજરોજ તે જ ગામના કેટલાક ગ્રામજનો જિલ્લા કલેકટર કચેરી ખાતે તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવી અને સદર બનાવમાં પીએસઆઈ સામે કોઈપણ જાતની કાર્યવાહી ન કરવા અંગેની રજૂઆતો કરી ચીટનીશ એમ.પી. સોલંકીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યાનુસાર હાલમાં જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બારોટ સામે જે લોકોએ વિરોધ કરેલો છે તે તદ્‌ન ખોટો છે. આ અધિકારી દ્વારા જે કોઈ આરોપી સામે કાર્યવાહી કરી હશે તો કાયદામાં રહીને કરેલી હશે પરંતુ અમુક અસામાજિક તત્ત્વોને પીએસઆઈ ગમતા નથી તેથી ખોટી ખોટી વાતો કરીને અધિકારીને સસ્પેન્ડ કરાવવાની માગણીઓ કરેલી છે તે તદ્‌ન ખોટી અને કાયદા વિરૂધ્ધની છે જ્યારથી અધિકારી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. ત્યારથી આજદિન સુધી તેઓએ કોઈ ખોટો કેસ કરેલ નથી.અથવા તો તેમની સામે કોઈપણ ફરિયાદ પણ થવા પામેલ નથી. આ અગાઉ અધિકારી પાવીજેતપુર તાલુકાના કદવાલ મુકામે નોકરી કરતા હતા ત્યાં ગામના લોકો સાથે સુમેળ ભર્યુ વર્તન કરી લોકોના દિલ જીતી લીધા હતા. અધિકારી સામે જે લોકો વિરોધ ઊભો કરી રહ્યા છે તે ખોટો અને ગેરકાયદેસર છે. જેથી અધિકારી સામે કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરવા માગણી કરવામાં આવી હતી.