મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેના સાથે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન કરવા માટે હજી સુધી રાજી થયા નથી. ત્રણેય પાર્ટીઓ વચ્ચે ભારે ગડમથલ ચાલી રહી છે. એવામાં આજે બુધવારના રોજ એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. જોકે, એવું કહેવાઈ રહ્યું છે કે શરદ પવારે વડાપ્રધાન મોદી સાથેની મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા માટે મુલાકાત કરી છે. પરંતુ રાજકીય કોરિડોરમાં આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. દેશના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ મુલાકાત લગભગ અડધા કલાક સુધી ચાલી હતી. આ મુલાકાતમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ બોલાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ શરદ પવારે કહ્યું કે તેમણે વડાપ્રધાનને ખેડૂતોને પડી રહેલી સમસ્યા અંગે માહિતી આપી હતી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા પવારે પીએમને દખલગીરી કરવા જણાવ્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે મેં તેમને ૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વસંત દાદા સુગર ઈન્સ્ટીટ્યૂટ પ્રોગ્રામ માટે વડાપ્રધાનને આમંત્રણ પણ આપ્યું છે.