માંગરોળ, તા.૧પ
રાજકોટની એક હલકી કક્ષાની કહેવાતી કુખ્યાત લેડી ડોન સોનું ડાંગરે દુનિયાના મહાન પુરૂષ અને અમન-શાંતિ અને ભાઇચારાના વાહક ઇસ્લામના મહાન પયગમ્બર હઝરત મોહંમદ (સ.અ.વ.) વિરૂદ્ધ તેમજ ઈસ્લામ ધર્મ વિરૂદ્ધ કરેલ અતિ અપમાન જનક ઉચ્ચારણોના લીધે સમસ્ત મુસ્લિમ જગતમાં રોષ ફાટી નિકળ્યો છે.
આ સંદર્ભે આજે સાંજના ૬ઃ૦૦ કલાકે માંગરોળ બૈતુલમાલ કન્યા શાળા ખાતે માંગરોળના તમામ મુસ્લિમ સમાજના મહાનુભાવો ફીરકા પરસ્તી નેવે મૂકી એક મંચ પર આવી મીટિંગ યોજી હતી. ઉપસ્થિત મહાનુભાવો આ શરમજનક ટિપ્પણીને ધર્મના વિરૂદ્ધ અને અસહ્ય બતાવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. નબી સ. અ. વ.ની શાનમાં ગુસ્તાખી કરનાર સોનું ડાંગર પર તમામ વક્તાઓએ આકરા પ્રહારો કરી તેને ગુંડાગીરી કરતી હલકી કક્ષાની સ્ત્રી ગણાવી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોનો એક જ સૂર હતો કે, આવી હલકી કક્ષાની વ્યક્તિને ખોટી પબ્લિસિટી આપવાના બદલે દરેક શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા અને ગામના સરપંચ, આગેવાનો દ્વારા ગામે ગામના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેની વિરૂદ્ધ કલમો દાખલ કરાવી સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે.
આ સાથે બર્મામાં નિર્દોષ રોહિંગ્યા મુસલમાનોના થતાં કત્લેઆમ વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
આ બંને મુદ્દા પર માંગરોળ તાલુકાના તમામ મુસ્લિમ સમાજ ના હોદ્દેદારો અને ઉલ્માએ કિરામ સાથે સલાહ મસવરોહ કરવામાં આવ્યો હતો જેમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે શનિવારે માંગરોળ તાલુકાના તમામ મુસ્લિમ સમાજના હોદ્દેદારો અને ઉલ્માઓ સાથે રહી એક આવેદનપત્ર આપવામાં આવે અને સોનું ડાંગર સામે કડક પગલાં લેવા અને બર્માના રોહિંગ્યા મુસલમાનોના કત્લેઆમ બંધ કરવા અને ભારતમાં આવેલા રોહિંગ્યા શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.
આ મીટિંગ માંગરોળ બૈતુલમાલ ફંડના નેજા હેઠળ યુસુફભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં માંગરોળ શહેર અને ગામડાના તમામ મુસ્લિમ સમાજની દરેક જમાતના પ્રમુખો, આગેવાનો, માંગરોળના નામી ઉલમાએ કિરામ, તેમજ હોદ્દેદારો અને મહારથીઓ ઉપસ્થિત રહ્યા હતા.