(એજન્સી) તા.૨૩
કેરળમાં આવેલા વિનાશકારી પૂર બાદ ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરવામાં આવી છે. કેરળની પૂર હોનારતના પગલે વિશ્વભરના લોકોની સામૂહિક સંવેદના જાગી ઊઠી છે અને વિશ્વભરમાંથી હવે ઉદાર લોકો અને સરકારો કેરળના પૂરગ્રસ્તોની વહારે આવી રહ્યા છે. જો કે બધામાં એક સરખી ઉદારતા જોવા મળી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારત સરકારે રાજ્યના પુનર્વસન માટે માત્ર રૂા. ૬૦૦ કરોડ જ આપતા સરકાર અને મોદીની તીવ્ર ટીકા થઇ છે. આરબ અમીરાતે પણ તેમના કરતા વધુ એટલે કે ૭૦૦ કરોડ કેરળને આપવાની જાહેરાત કરી છે. આમ કેરળના પૂરગ્રસ્તોની મદદ માટે દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે એ દરમિયાન પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્માએ પૂરગ્રસ્તોની મદદ માટે પોતાના પેટીએમ એપ્લિકેશન પરથી માત્ર રૂા. ૧૦૦૦૦નું ડોનેશન આપતા તેઓ ટ્રોલ થયા છે.
અબજોપતિ વિજય શેખર શર્માએ માત્ર રૂા. ૧૦૦૦૦નું ડોનેશન આપતા સોશિયલ મીડિયા પર લોકો ખફા થયા છે અને વિજયશેખર શર્માને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. એકબાજુ કેટલાક લોકોે તેમની વિરુદ્ધ ટ્‌વીટ કરી રહ્યા છે તો કેટલાક તેમના સમર્થનમાં પણ આવ્યા છે. યુઝર્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવતા પાછળથી અબજોપતિ વિજયશેખર શર્માએ પોતે અગાઉ ૧૦૦૦૦નું ડોનેશન આપવા અંગે જે ટ્‌વીટ કર્યું હતું તે ડિલીટ કરી નાખ્યું હતું. લોકોએ જણાવ્યું હતું કે આટલી મોટી કંપનીના માલિક હોવા છતાં તેમણે માત્ર રૂા. ૧૦૦૦૦નું જ ડોનેશન કર્યુ તેમને શરમ આવવી જોઇએ.
એક યુઝરે લખ્યું હતું કે પેટીએમના વિજય શેખર શર્માં ભારતના યુવાન અબજોપતિ છે. તેમની કુલ સંપત્તિ ૧.૭ અબજ ડોલર છે અને કેરળમાં પૂરગ્રસ્તો માટે રૂા. ૧૦,૦૦૦નો સ્ક્રિનશોટ લઇને ડોનેશન આપનાર વિજય શેખર સ્વયંને પ્રમોટ કરી રહ્યા છે. જો કે વિજય શેખરે કેટલાય ટ્‌વીટ કરીને એવું ઉદાહરણ આપ્યું છે કે પેટીએમના માધ્યમ દ્વારા કઇ રીતે કેરળના પૂરગ્રસ્તોની સહાયતા કરવામાં આવી રહી છે. તેમણે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે પેટીએમના માધ્યમથી કેરળ પૂરગ્રસ્તો માટે અત્યાર સુધી ૪ કરોડની સહાય કરી ચૂક્યું છે.