(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
ઉમરા અને પીસીબી પોલીસે બે સ્થળે દારૂના અડ્ડા પર દરોડા પાડી દારૂના જથ્થા સાથે કુલ ૬.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરા ગામ સ્મશાન ભૂમિની બાજુમાં પતરાના શેડમાં ધમધમતા દારૂના અડ્ડા ઉપર ઉમરા પોલીસે દરોડા પાડી બુટલેગર સૌરભ સંજય તાંદલેકરની ધરપકડ કરી આરોપી વિજય ગુપ્તા, સંજય દ્વિવેદી, અનિલ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉમરા પોલીસે બે કાર, મોટર સાયકલ, મોબાઈલ ફોન મળી કુલ રૂા.૫,૭૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં પીસીબી પોલીસે નવસારી રોડ પર દારૂની હેરાફેરી કરતા હેતલબેન હિતેશભાઈ પટેલ અનસુયાબેન મુકેશભાઈની ધરપકડ કરી આરોપી નયનાબેન રાણા, દુર્ગાબેન પટેલને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો મોપેડ મળી કુલ રૂા.૪૯,૮૦૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.