લાહોર,તા.૧૯
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સુપર લીગ સાથે જોડાયેલા તમામ ખેલાડીઓ અને બાકી સપોર્ટ સ્ટાફનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. મંગળવાર ૧૭ માર્ચે ૧૨૮ લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ થયો હતો, જેમાં મોટા ભાગના ખેલાડી હતા. ગુરૂવારે ૧૯ માર્ચે બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે કે પીએસએલ સાથે જોડાયેલ એકપણ વ્યક્તિમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. પીસીબી પ્રમાણે, ૧૨૮ કોવિડ-૧૯ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. પીસીબીએ પીએસએલના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેટ ઓફિશિયલ્સ, બ્રોડકાસ્ટર્સ અને ટીમ માલિકોને કોરોના ટેસ્ટ માટે ૧૭ માર્ચે બોલાવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પહેલા મુલ્તાન સુલ્તાન ટીમના ૧૭ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ટેસ્ટ માટે લઈ જવાયા હતા જેનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો ૨૫ વિદેશી ખેલાડી, સપોર્ટ અને મેચ ઓફિશિયલ પહેલા જ પોતાના દેશ જઈ ચુક્યા છે, જેનો ટેસ્ટ પાકિસ્તાનમાં થયો નથી.