અમદાવાદ,તા.ર
પીસીઆર વાનમાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓ ઘણીવાર પેટ્રોલિંગ કરવાને બદલે વાન પાર્ક કરીને સૂઈ જતા હોય છે તો ઘણીવાર વાન લઈને અંગતકામ માટે જતા રહેતા હોય છે. આમ પીસીઆર વાનના પોલીસ કર્મીઓ કામચોરી કરતા હોવાની ફરિયાદો ઉચ્ચસ્તર સુધી ગઈ હતી. ત્યારે હવે પીસીઆર વાન ઉપર નજર રાખવા જીપીએસ લગાવવાનો આદેશ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે. એટલે હવે બેદરકાર અને કામચોર પોલીસની ખૈર નથી. કોઈ પણ જગ્યા પર કોઈ પણ આકસ્મિક ઘટના બને તો તુરંત પોલીસની સેવા મળી રહે તે માટે રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન ફાળવવામાં આવેલી છે, પરંતુ કેટલાક બેદરકાર અને આળસુ પોલીસકર્મી પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક કરવાને બદલે જ્યાં-ત્યાં જીપ પાર્ક કરી ગપ્પા બાજી કરે છે કાં તો સુઈ જતા હોય છે. આવા પોલીસકર્મીઓની હવે ખેર નથી. કારણ કે સીએમ વિજય રૂપાણીએ પોતાના જન્મ દિવસે નાગરિકોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લઈ, પોલીસની જીપ પીસીઆર વાનમાં જીપીએસ લગાવવાનો આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, સીએમ વિજય રૂપાણી આજે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યા છે, ત્યારે તેમણે આજે ગૃહખાતાને આદેશ કર્યો છે કે, તમામ પીસીઆરવાનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવે, જેથી નાગરીકોની રક્ષા માટે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસનો રિયલ ટાઈમ જાણી શકાય. ગુજરાત પોલીસની દરેકવાનમાં હવે જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. જેથી નાગરીકોને ઝડપીમાં જડપી પોલીસની મદદ મળી શકશે. પોલીસનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં જીપીએસના અભાવે યોગ્ય રીતે પોલીસ વાનનું મોનિટરિંગ કરી શકાતુ ન હતું. હવે પેટ્રોલિંગમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી થશે. મુશ્કેલીના કોઇ પણ સમયમાં પોલીસની તાત્કાલિક મદદ મળશે. પોલીસ આળસ રાખી મોડુ નહી કરી શકે, તુરંત ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી, તુરંત રિપોર્ટ આપશે. કોઇ પણ ગુના કે દુઘર્ટના વિશે પોલીસને જાણ કરી શકાશે, જેથી ગુનાહિત પ્રવૃત્તિ થાય તે પહેલા જ તેના પર કાર્યવાહી થઈ શકે. અકસ્માતના સમયમાં પોલીસ ઝડપથી મદદરૂપ બનશે.