(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૯
કેરળમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી ફેલાયેલી તબાહીનું નિરીક્ષણ કરવા ચંગન્નૂર પહોંચેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના વર્તનથી એક આદર્શ રજૂ કર્યો છે. તેઓ હેલિકોપ્ટરથી ઉડ્ડયન કરવાના જ હતા કે એક એર એમ્બ્યુલન્સ પણ બીમાર વ્યક્તિ સાથે ટેકઓફની તૈયારીમાં હતી. રાહુલે પોતાના હેલિકોપ્ટરને રોકી પહેલા એર એમ્બ્યુલન્સને જવા દીધી. તેમજ એર એમ્બ્યુલન્સમાં જઈ બીમાર વ્યક્તિને મળ્યા અને તેની સાથે વાતચીત કરી તેમજ પાયલટ સાથે પણ વાર્તાલાપ કર્યો. બ્રિટન યાત્રાથી મંગળવારે સવારે પરત ફરેલ રાહુલ ગાંધીએ ચંગન્નૂર અને અલાપુઝામાં રાહત શિબિરોની મુલાકાત લીધી અને લોકોની મુશ્કેલીઓ સાંભળી ત્યારબાદ તે એર્નાકુલમ સ્થિત છાવણીઓમાં પણ ગયા. કેરળના બે દિવસીય પ્રવાસે આવેલ રાહુલ ગાંધીની કેટલીક તસવીરો પક્ષ દ્વારા પ્રસારીત કરવામાં આવી હતી. તિરૂવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્‌વીટ કરી હતી કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે સવારે તિરૂવનંતપુરમથી મધ્ય કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા. તેઓએ જિલ્લાઓમાં પણ જશે જે છેલ્લા બે દિવસથી પાણીમાં ડૂબેલા છે. ર૯ મેથી અત્યાર સુધી વરસાદ અને પૂરમાં ૪૭૪ વ્યક્તિઓનાં મોત થયા છે.