(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
વર્ષ ર૦૧૬માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકની આગેવાની કરી ચૂકેલા લેફટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) ડી.એસ. હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે, મોદી સરકારે સેનાને સરહદ પર હુમલો કરવાની પરવાનગી આપવામાં સંકલ્પ દર્શાવ્યો છે પરંતુ સેનાના હાથ આ પહેલાં પણ બંધાયેલા નહોતા. હુડ્ડા અહીં જાહેરાત સંગઠનો દ્વારા આયોજિત એક વાર્ષિક કાર્યક્રમ ‘ગોવા ફેસ્ટ’માં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, હાલની સરકારે સરહદપાર સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટમાં હવાઈ હુમલામાં પરવાનગી આપવમાં ચોક્કસપણે મહાન રાજકીય સંકલ્પ દર્શાવ્યો છે, પરંતુ આ પહેલાં પણ તમારી સેનાના હાથ બંધાયેલાં નહોતા, પરંતુ ૧૯૪૭થી સેના સરહદ પર સ્વતંત્ર છે. તેણે ત્રણ-ચાર યુદ્ધ લડ્યા છે. હુડ્ડાએ કહ્યું કે, “નિયંત્રણ રેખા એક જોખમકારક સ્થળ છે, કારણ કે જેવું મેં કહ્યું કે તમારા પર ગોળીબાર થઈ રહ્યો છે તે જમીન પર સૈનિકો તેનો તાત્કાલિક જવાબ આપશે. તેઓ (સૈનિક) મને પણ નહીં પૂછે કોઈ પરવાનગી લેવાનો પ્રશ્ન જ નથી. સેનાને છૂટો દોર આપવમાં આવ્યો છે.” ઉલ્લેખનીય છે કે, હુડ્ડાએ સપ્ટેમ્બર ર૦૧૬માં ઉરી આતંકી હુમલા બાદ સરહદપાર સર્જિકલ સ્ટ્રાઈકના સમયે સેનાની ઉત્તરી કમાનની આગેવાની સંભાળી હતી.