(એજન્સી) ઉડુપી, તા. ૨૧
ઉડુપીના શ્રી પેજાવર મઠના શ્રી વિશ્વેસા તીર્થ સ્વામીએ કહ્યું છે કે, દેશમાં આતંકવાદ વધવા માટે રાષ્ટ્રીય પ્રાણી વાઘ જવાબદાર છે. તેમણે પોતાની વાત સ્થાપિત કરવા માટે કહ્યું કે, વાઘ અને આતંકવાદીની પ્રકૃતિ એક જ જેવી છે અને આપણા રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘને સ્વીકારવાની આપણે મોટી ભૂલ કરી છે. તેમણે સલાહ આપી છે કે, ભારતે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવી જોઇએ. તેમણે કહ્યું કે, જો આપણે પ્રેમ અને નિર્દોષતાની પ્રતીક ગાયને સ્વીકારીએ તો આ દેશમાં હવે કોઇ આતંકવાદી જન્મ લેશે નહીં. ઉડુપીમાં સંતોના મેળા સંત સમાગમને સંબોધતા તીર્થે આ વાત કરી હતી. સંત સમાગમમાં બાબા રામદેવ પણ સામેલ હતા. સભાને સંબોધતા બાબા રામદેવે કહ્યું કે, માંસાહારી ભોજને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ગાયની કતલ પર પ્રતિબંધનો સખત કાયદો લાવવાની પણ તેમણે તરફેણ કરી હતી. તેમણે કહ્યું કે, બાબરથી લઇને ઔરંગઝેબ જેવા શાસકોના સમયથી ગાયની કતલ થતી આવી છે. તેમણે કહ્યું કે, લોકોએ જો કોઇ અન્ય માંસ ના મળે તો લોકોએ ઓછામાં ઓછું ગૌમાંસથી દૂર રહેવું જોઇએ. તીર્થ સંતે જણાવ્યું કે, ગાયની જાળવણી સાથે ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા ગંગાની સફાઇ હોવી જોઇએ અને તેમણે સમાન નાગરિક ધારાની પણ તરફેણ કરી હતી.