(એજન્સી) ગાઝા, તા.૩
પેલેસ્ટીનના સત્તાવાર વડાપ્રધાન રામી હમદલ્લાહ વેસ્ટ બેન્કના રાષ્ટ્રપતિ અબ્બાસ અને ગાઝામાં હમાસની સરકાર વચ્ચે રાષ્ટ્રીય સમાધાન કરાવવાના પ્રયાસ રૂપે સોમવારે કબજા હેઠળના ગાઝાપટ્ટી ખાતે આવી પહોંચ્યા હતા. પત્રકાર પરિષદમાં તેમણે આ મુલાકાતને પેલેસ્ટીની લોકોની એકતા માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
પેલેસ્ટીની રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસના આદેશ પર અમે અહીં ગાઝા તરફથી વિશ્વ સમક્ષ તે ઘોષણા કરવા માટે આવ્યા છીએ કે, વેસ્ટ બેન્ક અને ગાઝા વચ્ચે રાજકીય અને ભૌગોલિક એકતા વિના પેલેસ્ટીની રાજ્યનું અસ્તિત્વ નથી. તેમ તેમણે જણાવ્યું હતું.
આપણે જાણીએ છીએ કે એકતા વિના આપણે આપણા ઉદ્દેશો સુધી પહોંચી નહીં શકીએ અને પેલેસ્ટીની રાજકીય તંત્રની રક્ષા નહીં કરી શકીએ તેમ હમદલ્લાહે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા સરકાર ગાઝામાં પોતાની વહીવટી જવાબદારીને સ્વીકારવા લાગશે.
આપણે વિભાજનનું પાનું ફેરવીને ભવિષ્ય તરફ આગળ વધીએ જ્યાં આપણે એવા રાષ્ટ્રીય સમાધાનને શોધીએ જે આપણા લોકોની દૃઢતાને મજબૂત બનાવે અને તેમના અધિકારોનું રક્ષણ કરે તેમ ગાઝાના ગૃહમંત્રાલયના પ્રવક્તા ઈયાદ અલ-બુઝોમે જણાવ્યું હતું.
હમદલ્લાહ શુજાયેઆની પણ મુલાકાત લેશે જ્યાં ઈઝરાયેલી સેનાએ ગાઝાના ર૦૧૪ના યુદ્ધ દરમિયાન નરસંહાર કર્યો હતો. ઈઝરાયેલ ખાતે ઈજિપ્તના રાજદૂત હાઝેમ ખૈરાતની આગેવાનીમાં ઈજિપ્તનું સુરક્ષા પ્રતિનિધિમંડળ સમાધાનની પ્રક્રિયાની દેખરેખ રાખશે.
ગત મહિને હમાસના પ્રતિનિધિમંડળે ઈજિપ્તના રાજદૂતો સાથે મુલાકાત બાદ વહીવટી સમિતિનું વિસર્જન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને વિભાજનના દશકાઓ બાદ પોતાના હરીફ ફત્તેહ રાજકીય પક્ષ સાથે સમાધાન કરવાની પોતાની આતુરતા વ્યક્ત કરી.
અબ્બાસની પહેલ અને વહીવટી સમિતિનું વિસર્જન કરવાના નિર્ણયની હમાસની પ્રતિક્રિયા મહત્ત્વપૂર્ણ પગલું હતું તેમ હમદલ્લાહે જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્બાસની લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતી પાર્ટી ફત્તેહ પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષે પરાજય આપ્યા બાદ હમાસ ગાઝાપટ્ટી પર વર્ષ ર૦૦૭થી શાસન કરી રહ્યું છે.
જ્યારે મતદાનના પરિણામનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો ત્યારે હમાસે હિંસક અથડામણમાં ફત્તેહને હાંકી કાઢ્યું હતું. હમાસ અને ફત્તેહ બંનેએ ગાઝાપટ્ટી પર શાસન કર્યું હતું અને તેમની વચ્ચે અત્યાર સુધીમાં સમાધાન કરાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.