(એજન્સી) પેલેસ્ટીન, તા.૨૫
કબજા હેઠળના શહેર જેરૂસલેમમાં આવેલ અલ-અક્સા મસ્જિદના પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી તેના આઠમા દિવસે પણ શાસનના આ પગલાંના વિરોધમાં મુસ્લિમ શ્રદ્ધાળુઓએ પરિસરની બહાર નમાઝ અદા કરી હતી. ૧૪ જુલાઇના રોજ પેલેસ્ટીની હુમલાખોરો અને ઈઝરાયેલી પોલીસ વચ્ચે ગોળીબાર થતાં ઈઝરાયેલી દળોએ બે દિવસ માટે અલ-અક્સાના પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે પરિસરના મુખ્યદ્વાર પાસે સિક્યોરીટી કેમેરા અને મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કર્યા બાદ જ આ પ્રતિબંધ દૂર કર્યો હતો. પેલેસ્ટીનીઓએ કહ્યું કે કબજા હેઠળના પેલેસ્ટીની ક્ષેત્રોમાં આવેલા મહત્ત્વપૂર્ણ વિસ્તારો પર અંકૂશ વધારવા અને પેલેસ્ટીનીઓ વિરૂદ્ધના દમનકારી પગલાંઓ સામાન્ય બનાવવાના માર્ગ તરીકે ઈઝરાયેલી-પેલેસ્ટીની હિંસાનો ઉપયોગ કરીને ઈઝરાયેલી સત્તાધીશોએ લીધેલું આ પગલું તાજેતરનું ઉદાહરણ છે.
પેલેસ્ટીનીઓએ આ પગલાંનો વિરોધ અલ-અક્સાના મુખ્યદ્વારની બહાર નમાઝ અદા કરીને અને સમગ્ર પ્રદેશમાં દેખાવો કરીને કર્યો હતોે.જેના પગલે હિંસા ફાટી નીકળતા ત્રણ પ્રદર્શનકારીઓના મોેત નિપજ્યાં હતાં. રવિવારે અનેક ઈઝરાયેલી પોલીસની હાજરીમાં બાબ અલ અસ્બત દ્વાર અને બાબ અલ મજલિસ દ્વારના બહાર અનેક મુસ્લિમોએ ઝોહરની નમાઝ અદા કરી હતી.
મૃત્યુ પામેલા પેેસ્ટીનીની દફનવિધિ પહેલાં પરિસરની બહાર નમાઝ અદા કરવામાં આવી હતી. ઝોહરની નમાઝ બાદ ઈઝરાયેલી દળોએ અહેમદ અલ-શાવીશ નામક પેલેસ્ટીનીની અટકાયત કરી અને અન્ય અનેકની પૂછપરછ કરી હતી. ઈઝરાયેલી પોલીસના પ્રવક્તા લુબા અલ-સામરીએ કહ્યું કે રવિવારે પૂર્વ જેરૂસલેમની નજીકમાં આવેલા શુઆફાતના રહેવાસી બે પેલેસ્ટીનીઓની અટકાયત કરવામાં આવી હતી. જેની ઇઝરાયેલી પોલીસે દેખાવો દરમિયાન ફટાકડાનો ઈઝરાયેલી પોલીસની વિરુદ્ધ ઉપયોગ કરવાની શંકાને આધારે અટકાયત કરવામાં આવી હતી. રવિવારે ઇશાની નમાઝ બાદ ઈઝરાયેલી દળોએ ૨૧ પેલેસ્ટનીઓને ઘાયલ કર્યા હતા જેમાંથી ૧૫ રબરની બુલેટને કારણે અને બાકીના છ લાઠીચાર્જમાં ઘાયલ થયા હતા. અલ-અક્સા મસ્જિદના પરિસરના ડિરેક્ટર શેક ઓમર અલ-કિશ્વાનીએ જણાવ્યું કે અમે આપણા શહેર અને પવિત્ર સ્થળોની સુરક્ષા કરવાનું જારી રાખીશું. જેરૂસલેમ એ મુસ્લિમ અને ખ્રિસ્તીઓની રાષ્ટ્રીય એકતા ધરાવતું શહેર છે. જેરૂસલેમમાં આ જાતિવાદી નીતિ આવકાર્ય નથી. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૧૫થી જારી તણાવની સ્થિતિ વચ્ચે ઈઝરાયેલી દળોના હાથે ઓછામાં ઓછા ૩૦૦ પેલેસ્ટીનીઓના મોત થયાં છે