૯૧મા દિવસે મૃતકોનો આંકડો ૯૧ થયો!

છેલ્લા ત્રણ મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં ચાલતી હિંસાની ઘટનાઓમાં આજે શનિવારે થયેલા કિશોર જુનૈદના મોત સાથે મૃતકોનો આંકડો ૯૧ ઉપર પહોંચ્યો છે. દુર્ભાગ્યની વાત એ છે કે, અહીં તા. ૮ જુલાઈના રોજ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીને સલામતી દળોએ ઠાર કર્યો હતો ત્યારથી શરૂ થયેલી અશાંતિને આજે ૯૧મો દિવસ પણ છે અને મૃતકોનો આંકડો પણ ૯૧ ઉપર પહોંચ્યો છે. સરેરાશ દરરોજ એક મૃત્યુ થયું, એમ કહી શકાય, જે ખૂબ જ દુઃખદ બાબત છે.

 

શ્રીનગર, તા.૮

સલામતી દળોએ શ્રીનગરમાં શુક્રવારે વિરોધ-પ્રદર્શનકારીઓ ઉપર કરેલા ગોળીબારમાં ૧૨ વર્ષીય એક કિશોરને ગોળી વાગતાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ શહેરભરમાં હુલ્લડ જેવી સ્થિતિ ઊભી થવાની દહેશતના પગલે તંત્ર દ્વારા કરફ્યૂ લાદી દેવાયો છે.

સઈદપુરાનો રહેવાસી જુનૈદ અહમદ ભાટ નામનો આ છોકરો તેના ઘર પાસે હતો ત્યારે તેના પર પેલેટ ગોળીઓનો જાણે કે વરસાદ વરસ્યો હતો, જેમાં તેણે જાન ગુમાવ્યો હતો. જુનૈદની માતા સહિતના સમગ્ર પરિવારે ભારે વિલાપ કરી મૂક્યો હતો.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, વિસ્તારમાં પરિસ્થિતિ તંગ હતી ત્યારે સલામતી દળોએ ગોળીબાર કર્યા હતા, જેમાં જુનૈદ નામનો આ છોકરો તેના ઘર પાસે હતો અને તેને ગોળી વાગી હતી. જોકે, જુનૈદ આ વિરોધ પ્રદર્શનમાં નહોતો, એમ પોલીસે જણાવ્યું. જુનૈદને ગોળીઓ વાગતાં તે ઢળી પડ્યો હતો અને તેને સ્થાનિક લોકોએ તાત્કાલિક શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસમાં ખસેડ્યો હતો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાદમાં જ્યારે તેના મૃતદેહને તેના ઘેર લાવવામાં આવ્યો ત્યારે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જુનૈદના મૃતદેહની વિધિ માટે તેને લઈ જવાતો હતો ત્યારે સલામતી દળોએ ટિયરગૅસના શેલ છોડ્યા હતા અને બાદમાં સંઘર્ષ થયો હતો, જેમાં કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી, એમ સૂત્રોએ કહ્યું.