અમદાવાદ,તા.ર
જાણીતી બહુરાષ્ટ્રીય કંપની પેપ્સીકોએ બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસ પાછા ખેંચી લીધા છે. કંપનીએ બટાકાના બીજ મામલે ઈન્ટેલેકરપુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગનો આરોપ મુકી ૧ કરોડ રૂપિયાનો દાવો માંડયો હતો. પેપ્સીકોએ કોમર્શિયલ કોર્ટમાં બનાસકાંઠાના હરિભાઈ પટેલ (મેધ કંપા તા. વડાલી), બિપીનભાઈ પટેલ (લક્ષ્મણપુરા કંપા, તા. વડાલી), વિનોદભાઈ પટેલ (બડોલકંપા તા. વડાલી) અને છબીલભાઈ પટેલ (બડોલ કંપા તા. વડાલી) સામેના કેસ પાછા ખેંચી લીધા છે. આ સિવાય વર્ષ ર૦૧૮માં અરવલ્લીના પાંચ ખેડૂતો સામે કરેલા કેસ પણ ખેંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, પેપ્સીકોએ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગનો આરોપ મુકી બનાસકાંઠાના ૪ ખેડૂતો સામે ૧ કરોડ રૂપિયાનો દાવો માંડયો હતો. પેપ્સીકોએ કેસ પાછા ખેંચતા હવે ખેડૂતોએ એક કરોડ રૂપિયાના દાવાને લઈ કાયદાકીય લડાઈ લડવી પડશે નહીં. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વર્ષ ર૦૦૮માં કોન્ટ્રાકટ ફાર્મિંગથી બટાટાનું વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં ૯ હજાર હેકટર અને અરવલ્લી જિલ્લામાં ર૧ હજાર હેકટરમાં બટાકાનું વાવેતર થાય છે તે પૈકી ૧૮ હજારથી વધુ હેકટરમાં અંદાજે ૧પ હજાર ખેડૂતો કોન્ટ્‌્રાકટ ફાર્મિંગથી બટાકાનું વાવેતર કરે છે. બંને જિલ્લામાં મેકેન, પેપ્સીકો, વિરાજ, હાઈફન, ઈસ્કોન બાલાજી સહિતની કંપનીઓ સક્રિય છે અને ૬૦થી વધુ કોલ્ડ સ્ટોરેજ છે. ૧૧ હજારથી વધુ ખેડૂતો માત્ર કંપનીઓ માટે બટાકા વાવે છે કોન્ટ્રાકટ ફાર્મિંગમાં ગુજરાત દેશમાં હબ બનવા જઈ રહ્યું છે. જયારે ખાવાના બટાકાના પોષણક્ષમ ભાવો નથી મળતા ત્યારે ખાનગી કંપનીઓ ૧૦થી ૧ર રૂપિયે કિલો ભાવે બટાકા ખરીદી લે છે. જેથી ૧૧ હજારથી વધુ ખેડૂતો પગભર થયા છે. જો કે પેપ્સીકો કંપનીના એફસી પ જાતના બટાકા અન્ય કંપનીએ ખેડૂત પાસે વાવેતર કરાવી બટાકા ઉત્પાદિત કરાવતા સમગ્ર મામલો પેપ્સીકો કંપનીના ધ્યાનમાં આવતા આ મામલે ખેડૂતો સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી.