નવી દિલ્હી, તા.૩
બે વખતના પેરાલમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયા દેશના સવોમ્ય ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન માટે પસંદગી પામનાર પ્રથમ પેરાલમ્પિયન બની ગયો જ્યારે પૂર્વ હોકી કપ્તાન સરદારસિંહના નામની પણ ઈચ્છા વ્યક્ત કરાઈ છે. પેરાલમ્પિકમાં બે સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય દેવેન્દ્ર જસ્ટિસ સી.કે. ઠક્કર (રિટાયર્ડ)ની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની પહેલી પસંદ હતી તે ભાલાફેંકનો ખેલાડી છે. સમિતિએ બીજા વિકલ્પના રૂપમાં સરદારની પસંદગી કરી છે અને એ સૂચન આપ્યું છે કે બંનેને સંયુક્ત રૂપે પણ પુરસ્કાર આપી શકાય છે. અંતિમ નિર્ણય ખેલમંત્રાલય લેશે. પસંદગી સમિતિએ અર્જુન એવોર્ડ માટે પણ ૧૭ ખેલાડીઓના નામ મોકલ્યા છે જેમાં ચેતેશ્વર પૂજારા, મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર, પેરાલમ્પિક ચંદ્રક વિજેતા એમ થેગાવેલુ, વરૂણ ભાટી, ગોલ્ફર એસએસપી ચોરસિયા અને હોકી સ્ટાર એસ.વી.સુનિલ સામેલ છે.