અમદાવાદ, તા.૨
મેડિકલ સિવાય અન્ય પેરામેડિકલ અભ્યાસક્રમોમાં નીટના આધારે પ્રવેશમાં મેનેજમેન્ટ કવોટાની બેઠકો પર સરકાર દ્વારા જ પ્રવેશ આપવાના નિયમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો છે. જો કે, મેનેજમેન્ટ કવોટાની બેઠકો પર માત્ર નીટના મેરિટના આધારે પ્રવેશ આપી શકાશે તેવું હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું અને આ મામલે સ્વનિર્ભર કોલેજ મેનેજમેન્ટને પ્રવેશની છૂટ આપી હતી. આર્યુવેદિક અને હોમીયોપેથી સહિતના પેરામેડિકલ અભ્યાસક્રમોમાં તમામ મેનેજમેન્ટ કવોટાની બેઠકો સરકાર દ્વારા નીટના મેરિટના આધારે ભરતી કરવાના અને સરકાર મારફતે જ ભરતી કરવાના નિયમને કેટલી સ્વનિર્ભર કોલેજોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસમાં હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, આયુષ દ્વારા અગાઉથી જાણ કરાઇ હતી કે, તમામ બેઠકો નીટના આધારે ભરવામાં આવે અને તેથી તેના આધારે સરકારે જાન્યુઆરી-૨૦૧૭માં સૂચના જાહેર કરી તેની સ્પષ્ટતા તા.૨૬-૪-૨૦૧૭ના રોજ કરી હતી. આ કાયદાને લગતી જોગવાઇઓને ધ્યાને લેતાં સરકારને તમામ પ્રકારના નિયમો ઘડવાની સત્તા છે. જેથી રાજય સરકાર દ્વારા નીટના આધારે પ્રવેશ અંગે કરવામાં આવેલો નિર્ણય બંધારણ કે કાયદાની જોગવાઇ વિરૂધ્ધનો કહી ના શકાય. લાયકાતના આધારે વિદ્યાર્થીઓના પ્રવેશ માટે નિયમ બનાવવાનો સરકારને અધિકાર છે. જયારે બેઠકો કરતાં વિદ્યાર્થીઓ વધારે હોય ત્યારે નિયમ બનાવવાની સરકારને સત્તા છે. બીજીતરફ પેરામેડિકલની તમામ બેઠકોમાં મેનેજમેન્ટ કવોટાની બેઠકો સરકાર દ્વારા ભરવાના કરાયેલા નિર્ણયમાં હાઇકોર્ટે કોલેજ સત્તાવાળાઓને આંશિક રાહત આપી છે. જેમાં હાઇકોર્ટે આ બેઠકો ભરવાની સત્તા કોલેજ સત્તાવાળાઓને આપી છે. જો કે, તેમણે નીટના મેરિટના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને આ માટે અખબારોમાં જાહેરાત પણ આપવાની રહેશે. તેના આધારે મળેલી અરજીઓની સ્ક્રુટીની કરી નીટના મેરિટના આધારે જ પ્રવેશ આપી શકાશે તેવું હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું. જો કોઇ વિવાદ થાય તો તે અંગે એડમીશન કમીટીની એકશન લેવાની સત્તા રહેશે.