(એજન્સી) નવી દિલ્હી. તા. ૬
પનામા પેપર્સ બાદ હવે પેરેડાઇઝ પેપર્સ (૧.૩૪ કરોડ ફાઇલો)માં ટેક્સચોરી કરી વિદેશમાં વિદેશમાં કાળું નાણંુ છૂપાવવા મામલે જોડાયેલી ફાઇલો સામે આવતા દેશભરના રાજકારણ અને ઉદ્યોગજગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. આમાં બ્રિટનના મહારાણીની અંગત મિલકતો, અમેરિકી પ્રમુખ ડોનાાલ્ડ ટ્રમ્પના ઘણા મંત્રીઓ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોના મુખ્ય ફંડરેઝર, મોદી સરકારના મંત્રી જયંત સિંહા, બિહારના ભાજપના રાજ્યસભા સાંસદ રવિન્દ્ર કિશોર, આરકે સિંહા સહિત ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સહિત ૭૧૪ ભારતીયોના નામ સામેલ છે. આ દરમિયાન સોમવારે જ્યારે સાંસદ આરકે સિંહા પાસેથી પેરેડાઇઝ પેપર્સ ખુલાસામાં તેમના નામ અંગે પત્રકારોએ સવાલ કર્યો ત્યારે તેમણે કાંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. સિંહાએ પત્રકારનો સવાલનો જવાબ ન આપ્યો પરંતુ કાગળ પર લખીને દેખાડ્યું કે, તેમનું મૌનવ્રત ચાલે છે. આ અંગે પહેલા તો તેમણે માથુ ધુણાવી નકારમાં જવાબ આપ્યો બાદમાં મીડિયા દ્વારા વારંવાર સવાલો કરાતા પત્રકાર પાસેથી એક પેન અને કાગળ લઇને લખ્યંુ કે, સાત દિવસ ભાગવત મહાયજ્ઞમાં મૌનવ્રત છે. તેમણે આમ કરીને એમ કહી દીધું કે, તેઓ સાત દિવસ સુધી કાંઇ બોલશે નહીં. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં બિહારના સાંસદ બનેલા સિંહાની ગણતરી ભાજપના અમીર સાંસદોમાં થાય છે. પૂર્વ પત્રકાર રવિન્દ્ર કિશોરની કંપની એસઆઇએસ સિક્યુરિટીઝનું નામ પણ સામે આવ્યું છે. દસ્તાવેજથી સ્પષ્ટ થાય છે કે, કંપનીની વિદેશમાં પણ બે કંપની છે. માલ્ટા રજિસ્ટ્રીના રેકોર્ડ પ્રમાણે એસઆઇએસ સિક્યોરિટીઝની સહાયક કંપની એસઆઇએસ એશિયા પેસેફિક હોલ્ડિંગ્સ (SPHL) ૨૦૦૮માં માલ્ટામાં નોંધાયેલી છે. સિંહાની પત્ની રીત કિશોર આ કંપનીના ડાયરેક્ટર છે. આ સાથે જ એસઆઇએસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (SIHL) બ્રિટિશ વર્જિન ઉપમહાદ્વીપમાં સામેલ છે જેના SAPHLમાં ૩,૯૯૯,૯૯૯ (આશરે ૪૦ લાખ રૂપિયા)ના શેર છે. માલ્ટા રજિસ્ટ્રીમાંથી મળેલા ૧૩ ઓક્ટોબર ૨૦૦૮ના દસ્તાવેજો અનુસાર SAPHLના  દરેક યૂરોના આશરે ૧૪૯૯ સાધારણ શેર માલ્ટાની પીસીએલ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડમાંથી એસઆઇએસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડમાં ટ્રાન્સફર થયા હતા.