ડીસા, તા.૧૦
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં અંધશ્રદ્ધાઓનો દોર હજુ ચાલી રહ્યો છે. ત્યારે સાત માસની બાળકીને કબજિયાત રહેતી હોવાથી ખુદ માતા-પિતાએ ભુવા પાસે દવાને બદલે ડામ અપાવતાં બાળકીની તબિયત બગડતાં ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
મળતી મહતી મુજબ ૨૧મી સદીના યુગમાં પણ લોકો હજુ અધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. ત્યારે ચાર દિવસ અગાઉ લાખણી તાલુકાના ગણતા ગામે રહેતા દલાજી ઠાકોર પોતાની સાત માસની બાળકીને કબજિયાત હોવાથી ખુદ માતા-પિતા ભુવા પાસે દવા લેવા જતા બાળકીના શરીર પર ડામ આપતાં આજે તબિયત બગડી હતી. ત્યારે સારવાર માટે ડીસા ખાનગી હોસ્પિટલમાં લાવતા સમગ્ર કિસ્સો બહાર આવવા પામ્યો હતો. જેના વાયુવેગે સમાચાર પ્રસરી જતા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા તેમને બાળઆયોગને તપાસના આદેશ આપ્યા હતા. ગામડામાં હજુ પણ લોકો બાળકોને ઝાડા ઉલટી થતા ભૂવાઓ પાસે જઈને ડામ અપાવે છે. જેનાથી કેટલા માસૂમ બાળકો મોતને ભેટે છે. આ અંગે સરકાર દ્વારા આવા ભૂવાઓ તથા માતા-પિતા વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેવી જાગૃત નાગરિકોએ માંગણી કરી હતી.