(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૭
રાજ્યના પાંચ જિલ્લાઓના અમુક વિસ્તારમાં ફરી એકવાર પેટાચૂંટણીના માહોલ જોવા મળશે. છ નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજવાની જાહેરાત આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી જાહેરાતને પગલે ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતા પેટાચૂંટણીના વિસ્તારમાંથી આજથી અમલમાં આવી છે. ગાંધીનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાની છ નગરપાલિકામાં રપમી સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજવાના કાર્યક્રમની આજે ચૂંટણીપંચે જાહેરાત કરી હતી. રાજ્યની છ નગરપાલિકાઓની કુલ ૧ર બેઠકો માટે પેટાચૂંટણી યોજાશેે. જેમાં પેથાપૂર, રાણાવાવ, ઉના, મોરબી, કેશોદ અને તાલાલા નગરપાલિકાની ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેમાં મોરબી પાલિકાની સાત બેઠકોનો સમાવેશ થાય છે. ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ ૪ સપ્ટેમ્બર છે. જ્યારે ઉમેદવારી પત્રો સ્વીકારવાની અંતિમ તારીખ ૧૦ સપ્ટેમ્બર છે. ૧ર સપ્ટેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. જ્યારે ૧૪ સપ્ટેમ્બરે ઉમેદવારી પરત ખેંચી શકાશે. રપ સપ્ટેમ્બરે યોજાનાર મતદાન બાદ મતગણતરી ર૭ સપ્ટેમ્બરે યોજાશે. આ પેટાચૂંટણીમાં પણ ઈવીએમ મશીનનો મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે. તે ઉપરાંત હાઈકોર્ટના હુકમ અનુસાર મતદાનમાં નોટા (ર્દ્ગં્‌છ)નો અમલ પણ કરવામાં આવશે. એટલે કે, મતદારો ઉમેદવારો ન ગમતા હોય તો તેનો ઉપયોગ કરી શકશે.