કોલકાતા, તા.૧૮
ચક્રવાતી તોફાન ‘પેથાઈ’ આંધ્રપ્રદેશનો કિનારો પાર કરીને પૂર્વ ગોદાવરી જિલ્લાના કાકીનાડા નજીક પુડ્ડુચેરીના યનમ જિલ્લાને પણ વટાવી ગયું છે. આંધ્રમાં આવેલા વાવાઝોડા પેથાઈના પ્રભાવથી કોલકાતા સહિત સમગ્ર પશ્ચિમ બંગાળમાં ગંગા નદીના કિનારે આવેલા જિલ્લાઓમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે.
કોલકાતા સ્થિત આરએમસી (ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્ર)ના અધિકારીઓએ જણાવ્યું કે વિનાશક વાવાઝોડું પેથાઈ આમ તો સોમવારથી જ નબળું પડી ગયો છે અને હવે તેનો મોટો ખતરો રહ્યો નથી. આમ છતાં પણ આંધ્ર, બંગાળના અનેક વિસ્તારમાં હજુ પણ હાઈ એલર્ટ ચાલુ રાખવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના કિનારે ટકરાયું ત્યારે પેથાઈ વાવાઝોડાની ગતિ ૮૦ કિલોમીટર પ્રતિ કલાક હતી. આગામી ત્રણ કલાકમાં જ તે કાકીનાડા કિનારા નજીક આવેલી પશ્ચિમી-મધ્ય બંગાળની ખાડીમાં પહોંચી ગયું હતું. પેથાઈ જેમ જેમ ઉત્તર-પૂર્વની દિશામાં આગળ વધતું જાય છે તેમ તેમ તેની તાકાત અને અસર ઓછા થતાં જાય છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ચક્રવાતી તોફાનના કારણે આંધ્રપ્રદેશમાં પાકને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા અને વિશાખાપટ્ટનમ્‌ જિલ્લામાં હજારો એકરમાં ઊભેલો પાક પાણીમાં ડૂબીને નષ્ટ થઈ ગયો છે.
આ ઉપરાંત મકાઈ, હળદર, કપાસ અને મરચાંના પાક પણ બરબાદ થઈ ગયા છે. વીજળીના અનેક થાંભલાઓ ઊખડી ગયા છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં હજુ પણ અંધારપટ છવાયેલો છે. આંધ્રના અનેક વિસ્તારમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
વરસાદ સતત ચાલુ રહેવાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડી શકાતી નથી. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં પેથાઈ વાવાઝોડાના કારણે ટ્રેન અને વિમાન સેવા પણ ખોરવાઈ ગઈ છે. વાવાઝોડાના કારણે રાજ્યના ર૦ હજારથી વધુ લોકોને રાહત શિબિરમાં રહેવાની ફરજ પડી છે.
વહેલી સવારથી બંગાળના પશ્ચિમ મદિનાપુર, ઝારગ્રામ, બાંકુડા, પશ્ચિમ બર્દવાન, ઉત્તર અને દક્ષિણ ર૪ પરગણા, નાદિયા, હાવડા અને હુગલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે.