(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૩૦
તાજેતરમાં એનડીએની કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા સીએએ કાયદા તેમજ એનઆરસીનાં વિરોધમાં દેશભરમાં મુસ્લિમ સમાજમાં તેમજ બિન સાંપ્રદાયિકતાને વરેલા લોકો તેમજ સંગઠનો દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે,ત્યારે આજે આણંદ જિલ્લાનાં પેટલાદ શહેરમાં મુસ્લિમ વેપારીઓ દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો,અને તમામ મુસ્લિમ વેપારીઓ દ્વારા પોતાનાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને સીએએ અને એનસીઆર વિરૂદ્ધ પોતાનો મૌન વિરોધ પ્રદર્સિત કર્યો હતો.
મળતી વિગતો અનુસાર પેટલાદ શહેર મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલા બંધનાં એલાનને લઈને આજે પેટલાદ શહેરનાં તમામ મુસ્લિમ વેપારીઓ દ્વારા બંધને સમર્થન આપી પોતાનાં વેપાર ધંધા દુકાનો બંધ રાખતા શહેરનાાં ઝંડાબજાર,ચબુતરી,ખારાકુવા,રઝા ચોક,પટેલ સોડા ફેકટરી,કંસારા બજાર,મદની ગેટ,સરદાર ચોક,સૈયદ કોમ્પલેક્ષ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સહીતનાં તમામ બજારોમાં મુસ્લિમ વેપારીઓની દુકાનો સજ્જડ બંધ રહી હતી અને જેને લઈને બંધ શાંતીપૂર્ણ રીતે સફળ રહ્યો હતો.
મુસ્લિમ વેપારીઓ દ્વારા પોતાનાં ધંધા વેપાર બંધ રાખીને સીએએ અને એનસીઆરનો શાંત વિરોધ કરાયો હતો,તેમજ શહેરનાં મુસ્લિમ વિસ્તારોમાં પણ બંધનાં કારણે સન્નાટો પ્રસરેલો જોવા મળી રહ્યો હતો.
બંધને લઈને પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ સધન બનાવવામાં આવ્યું હતું,પેટલાદ શહેરનાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાંતીપૂર્ણ રીતે સીએએનો વિરોધ કરાતા બંધ અને વિરોધ શાંતીપૂર્ણ રહ્યો હતો.