(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૮
રાજકોટની કુખ્યાત બુટલેગર સોનુ ડાંગર દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ)ની શાનમાં કરાયેલી ગુસ્તાખીના વિરોધમાં પેટલાદની સુન્ની યુથ વિંગ દ્વારા અપાયેલા બંધના એલાનના સમર્થનમાં આજે પેટલાદ શહેરમાં મુસ્લિમ વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખી તેમજ વિરોધ પ્રદર્શન કરી સોનુ ડાંગરના પૂતળાનું દહન કરી મોહંમદ પયગમ્બર સાહેબના કરાયેલા અપમાનનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કુખ્યાત સોનુ ડાંગરની તાકીદે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની માંગ કરી હતી. રાજકોટની કુખ્યાત બુટલેગર સોનુ ડાંગર દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ વિરૂદ્ધ વાણી વિલાસ કરી અઘટીત ટિપ્પણીઓ કરી અપમાન કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે. જેને લઈને મુસ્લિમ સમુદાયમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે અને જેને લઈને આજે પેટલાદ શહેરમાં સુન્ની યુથ વિંગ દ્વારા બંધનુંુ એલાન આપવામાં આવ્યું હતું અને તેના સમર્થનમાં આજે પેટલાદ શહેરના ઝંડા બજાર, સ્ટેશન રોડ, સરદાર ચોક, ખંભાતી ભાગોળ, દેવકૂવા અને ખાટકિવાડ વિસ્તારમાં મુસ્લિમ વેપારીઓએ જડબેસલાક બંધ પાળી પોતાના વેપાર-ધંધાઓ બંધ રાખ્યા હતા, તેમજ સવારથી ખલીફા ચોક, રઝા ચોક, ભઠ્ઠીવાડા, કાજીવાડા, દેવકૂવા ભાગોળ, કાજીવાડા, દેવકૂવા ભાગોળ, સંજરી ચોક સહિત વિવિધ વિસ્તારોંમાં સોનુ ડાંગરના પૂતળા લટકાવવામાં આવ્યા હતા અને બપોર બાદ સોનુ ડાંગરના પૂતળાને ચંપલના હાર પહેરાવી પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ સોનુ ડાંગરની ધરપકડ કરી તેણીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની માંગણી કરવામાં આવી હતી. બપોર બાદ શાહે ઉર્જુનશાહ બાબાના મજાર ખાતે એક સભા યોજાઈ હતી, જેમાં જામા મસ્જિદના પેશઈમામ મુજાહીદુલ ઈસ્લામે તકરીર ફરમાવતા જણાવ્યું હતું કે, હઝરત મોંહમદ મુસ્તુફા (સ.અ.વ)ની શાનમાં સોનુ ડાંગરે જે ગુસ્તાખી કરી છે, તેને ભારતીય કાનૂન મુજબ સજા મળવી જોઈએ, સોનુ ડાંગરે હુઝુરની શાનમાં ગુસ્તાખી કરી સમગ્ર મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવાનું કામ કર્યું છે, પરંતુ તેના કારણે મુસ્લિમ સમાજે ઉશ્કેરાવાની જરૂર નથી, આપણે કાયદાની મર્યાદામાં રહી ભારતીય બંધારણે આપેલા હક્કો અનુસાર વિરોધ કરીને સોનુ ડાંગરની સામે કાયદાકીય લડત આપવી જોઈએ.
સવારે ૯-૩૦ કલાકે મૌન રેલી યોજાશે
હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ)ની શાનમાં સોનુ ડાંગરે કરેલી ગુસ્તાખી સામે વિરોધ કરવા માટે સુન્ની યુથ વિગના ઉપક્રમે આવતી કાલે મંગળવારે સવારે ૯-૩૦ કલાકે શાહે ઉર્જુનશાહ બાબાના મજાર ખાતેથી એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે મૌન રેલી શાહે ઉર્જુનશાહ બાબાથી પ્રારંભ થઈને કલાલ પીપળ, તાઈવાડા, ભઠ્ઠીવાડા, સોહંગ સિનેમાં થઈને કાલકા ગેટ પોલીસ ચોકી પાસે આવશે, અને મૌન વિરોધ પ્રદર્શિત કરશે, તેમજ ત્યારબાદ મુસ્લિમ આગેવાનો મામલતદારને મળીને આવેદનપત્ર આપશે.