(એજન્સી) નવી દિલ્હી,તા.રપ
પેટ્રોલ-ડીઝલની કિંમત પર વિરોધનો વંટોળ હજુ યથાવત છે ત્યારે આજે સતત બારમાં દિવસે પણ તેના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૩૬ પૈસાનો વધારો થયો છે તો ડીઝલમાં રર પૈસાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૭.૭૯ રૂા.પ્રતિલિટર છે જયારે ડીઝલની પ્રતિલિટરે ૬૮.૭૧ રૂા.ની કિંમત છે. દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવો આ જ રીતે વધી રહ્યા છે. આ કારણોસર સામાન્ય લોકોની પરિસ્થિતિ વધુ ખરાબ બનતી જાય છે. વિરોધી દળથી લઈને સામાન્ય લોકો સુધી તમામ લોકો રસ્તાઓ પર આવી ગયા છે. સરકાર વારંવાર વિશ્વાસ તો અપાવી રહી છે, પરંતુ કિંમત ઘટવાનું નામ લેતી નથી. તેલની કિંમતો કૂદકેને ભૂસકે વધતી હોવાથી આ દિવસોમાં લોકો સવારે સવારમાં ચા-નાસ્તાની જગ્યાએ તેલની કિંમત જાણવામાં રસ દાખવે છે. તેલની વધતી કિંમતનો અંદાજો તમે આ જ રીતે લગાવી શકો છો કે જે પેટ્રોલ દિલ્હીમાં ૧પ મેના રોજ ૭૪.૯પ રૂા.પ્રતિલિટરે વેચાઈ રહ્યું હતું તેમાં ત્રણ રૂપિયાથી વધુનો વધારો થઈ ચુકયો છે. પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ છે કે હવે દિલ્હીને છોડીને બાકી ત્રણેય મહાનગરો કલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૮૦ રૂા. પ્રતિ લિટરને પાર કરી ચૂકી છે.