(એજન્સી) નવી દિલ્હી, તા.૯
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે સતત ૧૧માં દિવસે પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓઈલ કંપનીઓએ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૪૦ પૈસાનો ઘટાડો કર્યો હતો. જ્યારે ડિઝલની કિંમતમાં દિલ્હીમાં ૩૦ પૈસા અને મુંબઈમાં ૩૨ પૈસાનો ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત શુક્રવારના દિવસે ૭૭.૪૨ સામે ૭૭.૦૨ પ્રતિ લીટર રહી હતી. મુંબઈમાં શુક્રવારના દિવસે ૮૫.૨૪ રૂપિયાની સામે ૮૪.૮૪ રૂપિયા પ્રતિ લીટર રહી હતી. જ્યારે ડિઝલની કિંમત દિલ્હીમાં ઘટીને ૬૮.૨૮ અને મુંબઈમાં ઘટીને ૭૨.૭ રૂપિયા થઈ હતી. સતત ૧૧માં દિવસે આજે ઘટાડો જોવામાં આવ્યો હતો. શુક્રવારના દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ક્રમશઃ ૨૧ અને ૧૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રેટ સર્વોચ્ચ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ હજુ પણ ઉંચી કિંમતો રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતને લઈને દેશભરમાં હોબાળો મચેલો છે ત્યારે સરકાર દ્વારા ઘટાડાના સંકેત આપવામાં આવ્યા છે. આ ઘટાડો હજુ પણ જારી રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગઈકાલે શુક્રવારના દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જે દેશની સૌથી મોટી ફ્યુઅલ રિટેલર કંપની છે તેના દ્વારા દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૨૧ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જેથી કિંમત ઘટીને ૭૭.૭૨ થઇ હતી. જ્યારે ડીઝલની કિંમતમાં ૧૫ પૈસાનો ઘટાડો કરવામાં આવતા કિંમત ૬૮.૫૫ પ્રતિલીટર થઇ હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કેટલાક ટેક્સ પણ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોને ભારતમાં અંકુશમુક્ત બનાવી દેવામાં આવી છે જેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતના આધાર પર નક્કી કરવામાં આવે છે. રૂપિયા અને ડોલરના ફોરેક્સ રેટ ઉપર કિંમતો આધારિત હોય છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ફ્યુઅલ કિંમતોના ડિરેગ્યુલેશનને પરત ખેંચવાનો ઇન્કાર કરી દીધો છે. ઓઇલ બોન્ડની ફેરચુકવણીમાં બોજ છતાં સરકાર ફ્યુઅલની કિંમતોને અંકુશમાં લેવા માટે તમામ પગલા લઇ રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, સરકાર ફ્યુઅલની કિંમતોને કાબૂમાં લેવા તમામ પગલા લઈ રહી છે. લાંબાગાળાના ઉકેલ શોધવાના પ્રયાસ થઇ રહ્યા છે. તમામ પરિબળોને ધ્યાનમાં પણ લેવામાં આવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ૨૯મી મે બાદથી સતત ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં ૧૬ દિવસ સુધી વધારો કરાયા બાદ તેમાં ઘટાડાની શરૂઆત થઇ છે. સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં પણ વધારો કરાયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ગયા મહિનામાં બેરલદીઠ ૮૦ ડોલર સુધી પહોંચી હતી. તીવ્ર મોંઘવારીના લીધે લોકો હાલ પરેશાન છે.