(એજન્સી) તા.૨૩
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૨૧ દિવસ સુધી સ્થિર રહ્યા બાદ હવે ૧૪ મે,થી પેટ્રોલના ભાવ સતત દરરોજ વધી રહ્યા છે. ૧૪ મે,થી દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂા.૨.૨૪ જેટલા વધીને પ્રતિ લિટર ભાવ રૂા. ૬૪.૬૩ હતો તે વધીને હવે રૂા. ૭૬.૮૭ની ઓલ ટાઇમ હાઇ સપાટીએ ભાવ પહોચી ગયો છે.ડીઝલ પણ પ્રતિ લિટર ૬૮.૦૮ની ઓલટાઇમ હાઇ સપાટી પર છે.
સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે તેના પરના કરવેરા અને એક્સાઇઝ ઘટાડવાના દબાણનો પ્રતિકાર કર્યો છે. ૨૦૧૮ અને ૨૦૧૯ માટે ઇન્ડિયન બાસ્કેટના ક્રૂડ તેલ ભાવ પ્રતિ બેરલ ૬૯.૩ અમેરિકન ડોલર છે. એક બેરલ એટલે ૧૫૯ લિટર. આજના વિનિમય પ્રમાણે ૧ અમેરિકન ડોલર એટલે રૂા. ૬૮. આ વિનિમય દરે ગણતરી કરીએ તો ૧ બેરલ ક્રૂડ તેલની કિંમત ૬૮૬૯.૩= રૂા. ૪૭૧૨.૪ થવા પામે છે.
આમ ઇન્ડિયન ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા ૧ લિટર ક્રૂડ ઓઇલની કિંમત ૪૭૧૨.૪/૧૬૯= રૂા.૨૯.૬૩૭૭ છે.જેની સામે પેટ્રોલના ભાવ દિલ્હીમાં પ્રતિ લિટર ૭૬.૮૭, કોલકાત્તામાં ૭૯.૫૩, મુંબઇમાં ૮૪.૭૦ એન ચેન્નઇમાં ૭૯.૭૯ છે.આમ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલની કિંમત સામે પેટ્રોલમાં આટલા ઊંચા ભાવોનું કારણ એ છે કે પેટ્રોલ- ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી, ટેક્સ, વેટ વગેરે જેવા ભારેખમ ટેક્સ લાદવામાં આવે છે.
પ્રતિ લિટર પેટ્રોલ પર રૂા.૧૯.૪૮ની એક્સાઇઝ ડ્યૂટી અને ડીઝલ પર પ્રતિ લિટર ૧૫.૩૩ની કુલ એક્સાઇઝ ડ્યૂટી લાગે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર જુદા જુદા રાજ્યોમાં અલગ દરે વેટ લાગુ પડે છે જેમ કે દિલ્હીમાં પેટ્રોલ પર ૨૭ ટકા વેટ એટલેકે પ્રતિ લિટર રુ.૧૬.૨૧નો વેટ લાગુ પડે છે. આમ દિલ્હીમાં ફાઇનલ કિંમતમાં રુ.૩૯.૩૧ જેટલો પ્રતિ લિટર પેટ્રોલમાં ટેક્સ લાગે છે જે રિફાઇનરીમાંથી પેટ્રોલ બહાર નીકળે છે ત્યારે તેની પ્રતિ લિટર જે કિંમત હોય છે તેના કરતા ૧૦૦ ટકાથી પણ વધુ ટેક્સ લાગે છે અને માટે પેટ્રોલના ભાવ ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોચ્યા છે.