(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
તેલના ભાવો આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહ્યા છે જેના લીધે દેશમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વધી ગયા છે. લોકો તરફથી ફરિયાદો ઉઠી રહી છે કે, પેટ્રોલ-ડીઝલનું અસહ્ય ભાવ વધારો સરકારી વેરાઓના કારણે છે. લોકોની માગણી છે કે, સરકારે વેરા ઘટાડવા જોઈએ. પણ સરકાર આ પગલાં લેશે એના કોઈ સંકેત મળતા નથી. પેટ્રોલ-ડીઝલ ઉપર જીએસટી લાગુ નથી એ માટે દરેક રાજ્યમાં જુદા જુદા ભાવો છે. પેટ્રોલ-ડીઝલના ભાવો છેલ્લા બે અઢી મહિનાથી ૭ રૂપિયા અને પ.પ૦ રૂપિયા વધી ગયા છે. મુંબઈમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ ૭૯.પ૪ રૂપિયા લીટરે હતો જે ત્રણ વર્ષની સર્વોચ્ચ ઊંચાઈએ છે. છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલનો ભાવ વધારો થઈ રહ્યો છે કારણ કે એની સામે વિરોધ દર્શાવવામાં આવતો નથી. સરકારે ૧૬મી જૂનથી દરરોજ ભાવ વધારવા ઘટાડવાની નીતિ અમલમાં મૂકી છે જેના લીધે લોકોનું ધ્યાન જતું નથી. આ પહેલાં દર ૧પ દિવસે સમીક્ષા કરી ર-૩ રૂપિયા વધારાતા કે ઘટાડાતા જેથી લોકોને ધ્યાન આવતું, પણ હવે દરરોજ ૧ પૈસાથી લઈ રપ પૈસા સુધી ભાવ વધારો કરાય છે જે લોકોના ધ્યાનમાં પણ નથી આવતો પણ હવે પેટ્રોલના ભાવો લોકોના ખિસ્સાઓ ખાલી કરી રહ્યા છે ત્યારે લોકો સફાળા જાગ્યા છે અને ફરિયાદો શરૂ કરી છે. પેટ્રોલ-ડીઝલ ઉપર લદાયેલ વેરાઓથી સરકારની તિજોરી છલકાઈ રહી છે. પેટ્રોલની મૂળકિંમત ૩૪ રૂપિયા પ્રતિલીટર છે. એની ઉપર સરકારી વેરાઓ ૩૬.પ૦ પૈસા છે જેથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૦.૪૩ રૂપિયા પ્રતિલીટર છે. અર્થાત મૂળ કિંમત કરતા પણ વેરાઓ વધુ છે. છેલ્લા ત્રણ વર્ષથી પેટ્રોલના ભાવોમાં વધારો નોંધાયો છે જ્યારથી મોદી સરકારે સત્તા સંભાળી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો દ્વારા ૧ર.૮ લાખ કરોડના વેરાઓ મેળવ્યા છે.