(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
સતત ૧૬ દિવસના વધારા બાદ બુધવારે આંતરરાષ્ટ્રીય ઇંધણોના ભાવોમાં સામાન્ય ઘટાડો થયો હતો. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. સામાન્ય ઘટાડા છતાં દેશના મોટા શહેરોમાં ઇંધણોના ભાવો તેની સર્વોચ્ચ સપાટીએ રહ્યા છે જેમાં દિલ્હી અને મુંબઇનો પણ સમાવેશ થાય છે. સવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ પર ભૂલથી એક પૈસાને બદલે ૬૦ પૈસાનો ઘટાડો દેખાડવામાં આવતા દેશના નાગરિકોને રાહત થઇ હતી પરંતુ તેમની આ રાહત થોડી મિનિટો માટે જ હતી. થોડીવારમાં જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ ઘટાડો ફક્ત એક પૈસાનો જ છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સવારે વેબસાઇટ પર દર્શાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૫૬-૬૩ પૈસાનોઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, બાદમાં તેણે ખુલાસો કર્યો હતો કે, પેટ્રોલના ભાવોમાં ફક્ત એક પૈસાનો ઘટાડો થયો છે પરંતુ ક્લેરિકલ ભૂલને કારણે ૨૫ મેની કિંમતો દેખાઇ ગઇ હતી.
પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંગે જાણવા જેવી પાંચ બાબતો
૧. બુધવારે સવારે ૬ વાગ્યાથી દિલ્હીમાં પેટ્રોલની કિંમતો પ્રતિ લિટરે ૭૮.૪૨ રૂપિયા, કોલકાતામાં ૮૧.૦૫ રૂપિયા પ્રતિ લિટર, મુંબઇમાં ૮૬.૨૩ રૂપિયા પ્રતિલિટર અને ચેન્નાઇમાં ૮૧.૪૨ રૂપિયા પ્રતિ લિટર ભાવો થઇ ગયા હોવાની જાહેરાત ઇન્ડિયન ઓઇલે કરી છે. આ જ રીતે ડીઝલમાં અનુક્રમે ૬૯.૩ રૂપિયા પ્રતિ લિટર, ૭૧.૮૫ પ્રતિલિટર, ૭૩.૭૮ રૂપિયા પ્રતિલિટર અને ૭૩.૧૭ રૂપિયા પ્રતિ લિટર ભાવો થઇ ગયા હતા.
૨. સતત ૧૬ દિવસ સુધી દેશના ચાર મેટ્રો શહેરોમાં ૩-૪ રૂપિયાના વધારા બાદ આખરે ૧૭મા દિવસે એક પૈસાનો ઘટાડો થયો હતો. ૧૩મી મેથી ૨૯મી મે સુધીના ૧૬ દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં ૩.૮ રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં ૩.૭૪ રૂપિયા પ્રતિ લિટર અને મુંબઇમાં ૩.૭૬ રૂપિયા પ્રતિલિટર ઉપરાંત ચેન્નાઇમાં ૪ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. આજ રીતે ડીઝલની કિંમતોમાં આ સમયગાળા દરમિયાન અનુક્રમે ૩.૩૮ રૂપિયા પ્રતિલિટર, ૩.૨૩ રૂપિયા પ્રતિલિટર, ૩.૫૯ રૂપિયા પ્રતિ લિટર અને ૩.૬૨ રૂપિયા પ્રતિલિટરનો ભાવવધારો થયો હતો.
૩. દેશમાં છેલ્લા ૧૬ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયેલો ભાવવધારો અમેરિકન ડોલરની સામે રૂપિયાની નબળાઇ અને અન્ય આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. મોદી સરકારે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, તે દેશના ઇંધણોમાં વધતા ભાવો માટે ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ઉકેલ માટે વિચારી રહી છે.
૪. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો મુખ્ય રીતે સિંગાપુર ગેસોલિન કિંમતો અને અરબ અખાતી ડીઝલની કિંમતો પર નિર્ભર છે જેના કારણે સૌથી વધુ ઇંધણોની કિંમતોમાં ફેરફાર થાય છે. સઉદી અરબ અને રશિયાએ નિકાસ વધારી દેવાનું નક્કી કર્યા બાદ ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય ઇંધણોની કિંમતો ૭૫ ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગઇ હતી તેમ છતાં ભારતમાં ઇંધણોના ભાવો ઘટ્યા નહોતા.
૫. ભારતના આયાત બિલમાં ઇંધણો સૌથી વધુ મોંઘા પડે છે કારણ કે, તેને ઇંધણ જરૂરિયાતનો ૮૦ ટકા જથ્થો આયાત કરવો પડે છે. તેથી અમેરિકન ડોલર સામે જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ વધારો થાય છે. રૂપિયો આ વર્ષે અત્યારસુધી ગ્રીનબેક સામે ૬ ટકા સુધી નીચે પટકાયો છે.

શું આ અટકચાળો છે ? આ છોકરમત અને ખરાબ અનુભવ છે ઇંધણોમાં એક પૈસાના ઘટાડા બાદ રાહુલના મોદી પર ચાબખા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
સતત ૧૬ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધ્યા બાદ કેન્દ્ર સરકારે તેમાં રાહત આપી છે. કેન્દ્ર સરકારે તેમાં માત્ર એક પૈસાનો ઘટાડો કર્યો છે. ત્યારબાદથી તેની ચારેતરફથી ટીકા થઇ રહી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પૈસાના ઘટાડાને લઇને નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું છે કે, આ એક છોકરમત છે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરતા લખ્યું છે કે, ડીયર પીએમ તમે પેટ્રોલ અને ડીઝલ પર એક પૈસાનો ઘટાડો કર્યો છે જો આ એક મજાક છે તો તે છોકરમત ગણાય. જો ભાવમાં ઘટાડાનો મારા ચેલેન્જનો જવાબ છે તો તે યોગ્ય નથી.
આ તમારો આઇડિયા છે કે અટકચાળો : કોંગ્રેસના નેતા આરપીએન સિંહે કહ્યું હતું કે, ચાર વર્ષમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારીને ૧૦ લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી અને બાદમાં એક પૈસાની છૂટ. શું આ સરકાર દેશની જનતા સાથે મજાક કરવા માગે છે. તેમણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની માગ કરતા કહ્યું કે, ધારાસભ્યો ખરીદવા માટે ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવે છે. સરકાર જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે, જનતા પરેશાન અને બેહાલ છે પરંતુ સરકારને કોઇ ફરક પડતો નથી.

‘અમીર હોવાનું અનુભવું છું’ : પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં
એક પૈસાના ઘટાડાએ ટિ્‌વટર મજાકમાં ઇંધણ પૂરૂં પાડ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
દેશવાસીઓને સવારે ખબર પડી કે ૧૬ દિવસના સતત વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૬૦ પૈસાનો ઘટાડો થયો છે તે જાણીને લોકોમાં જોશ પુરાયું હતું. પરંતુ આ ખુશી આઇઓસીની જાહેરાત સુધી જ હતી જેમાં કહેવાયું કે ટેકનિકલ ભૂલને કારણે આમ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો થયો છે. ત્યારબાદ આ ક્રૂર મજાકને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી હતી. રોષે ભરાયેલા લોકોએ પેટ્રોલિયમ કંપનીઓને આ દરિયાદિલી બદલ અભિનંદન આપ્યા હતા. એક ટિ્‌વટરાતીએ કહ્યું હવે હુંં મારો એક પૈસો બચાવી શકીશ. એકે મજાક કરતા લખ્યું કે, પેટ્રોલની કિંમતમાં એક પૈસાના ઘટાડાથી હું ઘણો ખુશ છું. અન્ય એકે લખ્યું કે, લોકો હવે ગણતરી કરી રહ્યા છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક પૈસાના ઘટાડા બાદ તેઓ બચેલા નાણાનું શું કરશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૬૦ પૈસા નહીં એક પૈસો ઓછો થયો છે અને આ જાહેર કરવામાં તેમને ત્રણ કલાક લાગ્યા. એકે લખ્યું હતું કે, એક પૈસાના ઘટાડા બાદ આડેજે હું ખૂબ અમીર હોવાનું અનુભવી રહ્યો છું.