નવીદિલ્હી,તા. ૧૧
પેટ્રોલ અને ડીઝલની કિમતમાં આજે સતત ૧૩માં દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. ૨૯મી મેના દિવસે કિંમતોમાં વધારો કરવામાં આવ્યા બાદથી સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર ૨૦ પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિલીટર ૧૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૨૦ પૈસા સુધીનો ઘટાડો કરાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં દિલ્હીમાં ૧૫ પૈસા અને મુંબઈમાં ૧૬ પૈસાનો ઘટાડો કરાયો છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત ૧૯ પૈસા ઘટી છે જ્યારે ચેન્નાઈમાં ૨૧ પૈસા ઘટી છે. દિલ્હીમાં સુધારવામાં આવેલા રેટની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશઃ ઘટી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૬.૫૮ રૂપિયા રહી છે જ્યારે ડીઝલની કિંમત ૬૭.૯૫ રહી છે. ઉપરાંત દિલ્હીના અન્ય મેટ્રો શહેરોમાં પણ કિંમતો સુધરી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડો જારી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતના આધાર પર દરરોજ ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. જુદા જુદા રાજ્યોમાં કિંમતો વેટના આધાર પર ઘટી રહી છે. બીજી બાજુ દુનિયાભરમાં તેલની વધતી કિંમતોને ધ્યાનમાં લઇને ભારત સરકાર ચિંતાતુર છે અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે જેમાં જણાવાયું છે કે, ટ્રક અને બસ જેવા ભારે કોમર્શિયલ વાહનોને કોલ આધારિત મિથિનોલ ઉપર ચલાવી શકાય છે. મંત્રાલયની દરખાસ્તમાં કહેવામાં આવ્યું છે કે, બે લીટર મિથિનોલની કિંમત એક લીટર ડીઝલ સમાન છે. મિથિનોલને માત્ર ૩૦ રૂપિયાની કિંમતમાં તૈયાર કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલ ઉપર વધતા ખર્ચને આનાથી બચી શકાય છે. હાલમાં પાટનગર દિલ્હીમાં ડીઝલની કિંમત ૬૮ રૂપિયા અને દેશના અન્ય રાજ્યોમાં તેની કિંમત વધારે છે. મિથિનોલને નેચરલ ગેસ, કોલ અને શહેરી કચરાથી બનાવવામાં આવે છે. પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગયા મહિનામાં એક બેઠક યોજી હતી જેમાં કઇરીતે મિથિનોલના પ્રોડક્શનને વધારીને ચાર પાંચ વર્ષમાં ક્રૂડ ઉપરના આધારને ઘટાડી શકાય. આના માટે તૈયાર કરવામાં આવેલી રુપરેખામાં સૂચન કરવામાં આવ્યું છે કે, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા અને તલંગાણાના કેટલાક કોલસા બ્લોકને તેલ ઉત્પાદન કંપનીઓને આપી શકાય છે જેથી આ ખાણના ૫૦ કિલોમીટર એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસિત કરી શકાય છે. ગડકરીએ કહ્યું છે કે, આ સંદર્ભમાં વડાપ્રધાનની ઓફિસમાં ટૂંકમાં જ રજૂઆત કરવામાં આવશે. ક્રૂડ ઓઇલ પર આત્મનિર્ભરતાના બદલે વધારે મિથિનોલ, રિફિનોલ અને ઇલેક્ટ્રીકલ વાહનોના ઉત્પાદનથી સરળ રસ્તો શોધી શકાય છે. દુનિયાભરમાં ચીન સૌથી વધારે મિથિનોલનો ઉપયોગ કરે છે. ૨૦૧૬-૧૭માં પરિવહન સેક્ટરમાં ૩.૪૦ લાખ કરોડ રૂપિયાના ૧૧૦ મિલિયન ટન ક્રૂડનો ઉપયોગ થયો છે.