(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
છેલ્લા એકાદ મહિનાથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થતાં પ્રજાજનોને સીધી રીતે સ્પર્શતા આ મામલાએ રોષનું વાતાવરણ ઊભું કર્યું છે. ઠેર-ઠેર તે અંગે વિરોધાત્મક દેખાવો પણ થઈ રહ્યા છે. સરકાર પાસે વેરા ઘટાડાની માગણીઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે અત્રે રજૂ કરાતી વિગતો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, સરકાર ઈચ્છે તો વેરાના દર ઘટાડી પ્રજાને રાહત આપી શકે તેમ છે અને એનાથી તેની તિજોરી પર કોઈ ખાસ અસર થવાની નથી. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે ગુજરાત સરકારને રૂા.૧૩૦૦ કરોડથી વધુની વધારાની આવક થવા પામી છે.
પેટ્રોલ અને ડીઝલના સતત ભાવવધારાથી ગુજરાતની પ્રજાત્રસ્ત બની અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકારની તિજોરી વેરાથી ઉભરાઈ રહી છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતાં ગુજરાત સરકારની આવકમાં ૧૩૦૫ કરોડનો વધારો થયો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ૧૦ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગુજરાત સરકારે વેટમાં ૪% નો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં વેટ ઉપરાંત સેસ પણ વસૂલવામાં આવે છે તેથી કિંમતોમાં વધારો થઇ જાય છે. ગુજરાતમાં પેટ્રોલના વેચાણના કારણે ૩ હજાર કરોડથી વધુ રૂપિયાની આવક થાય છે અને ડીઝલ ઉપર વેરાની વર્ષે રૂ. ૮ હજાર કરોડની આવક થાય છે. ગુજરાત સરકારના દાવા મુજબ અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપર ૨૦ ટકા વેટ અને ૪ ટકા સેસ વસૂલાય છે જ્યારે વાસ્તવમાં ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૫.૪૫ ટકા અને ડીઝલ ઉપર ૨૫.૫૫ ટકાના દરે ઈફેકટીવ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં વેટ સેસ ઉપરાંત અન્ય વધારાના વેરા અને સરચાર્જ પણ સામેલ હોય છે. સરકારને દર વર્ષે આ આવકમાં ૭૦થી ૮૦ ટકાનો સરેરાશ વધારો થઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર ૨૪ ટકા વેટ લાગતો હતો તે હવે ૪ ટકા ઘટાડવામાં આવતા ૨૦ ટકા વેટ થયો હતો. તેના પર ચાર ટકા સેસ કેન્દ્રની ભાજપ સરકારે નાખ્યો હતો. એ વખતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંધીનગરમાં વેટ ઘટાડાની જાહેરાત કરતા પેટ્રોલ પ્રતિ લીટર રૂ.૬૭.૫૩ પૈસા અને ડીઝલ પ્રતિ લીટર રૂ.૬૦.૭૭ પૈસાના ભાવે મળતું થયું હતું. એ વખતે વેટ ઘટવાને લીધે રાજ્યની આવકમાં રૂ. ૨૩૧૬ કરોડની ઘટ પડશે એવો દાવો કરાયો હતો. રાજ્ય સરકાર વાર્ષિક સરેરાશ રૂ. ૧૨ હજાર કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા ૨૦૧૭માં મેળવતી હતી. તેની સામે ટેક્સ ઘટવાના કારણે રાજ્ય સરકારની આવકમાં રૂ. ૨૩૧૬ કરોડ જેટલો ઘટાડો થવાનો દાવો કરાયો હતો. ૧૫ માર્ચ. ૨૦૧૮ના રોજ ગુજરાત વિધાનસભાએ ડીઝલ-પેટ્રોલના વેરાના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ડીઝલમાંથી ૧૪૨૯ કરોડ રૂપિયાની આવક થઈ હતી. છેલ્લા બે વર્ષમાં ૬૪૨૩ કરોડની આવક થઈ હતી. ખરેખર તો ૨૦૧૧-૧૨થી આજ સુધીમાં કેન્દ્ર સરકારની કમાણી ૨૫૦ ટકા વધી છે અને ગુજરાત સરકારની કમાણી ૭૬ ટકા વધી છે. ૨૦૧૪-૧૫માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ૯૯ હજાર ૧૮૪ કરોડ રૂપિયા હતી. જે ૨૦૧૭-૧૮માં ૨ લાખ ૨૯ હજાર ૧૯ કરોડ રૂપિયા થઈ ગઈ. જેના કારણે ગુજરાત સરકારને વેરાથી થતી કમાણીમાં જંગી વધારો થયો છે. સરકાર ઈચ્છે તો કેટલીક નીતિઓ દ્વારા ટેક્સમાં ઘટાડો કર્યા વિના પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી કરી શકે છે. તે હિસાબે આજે પણ લોકોને લાભ આપવામાં આવ્યો નથી. ૧૧૨ ડોલર બેરલ કૃડનો ભાવ હતો તે ઘટીને આજે ૭૩ ડોલર છે. તેની સામે ડોલર સામે રૂપિયો ૩૧ ટકા તૂટી ગયો છે ત્યારે રાજ્ય સરકાર જો પોતાના વેરામાં ઘટાડો કરે તો તેની તિજોરીમાં કોઈ ખાસ ફેર નહીં પડે પરંતુ તેનાથી રાહત થશે.