અમદાવાદ,તા.૧૧
પેટ્રોલ-ડિઝલના ભાવવધારા અને સીએનજી-પીએનજીમાં પણ વધતા જતાં ભાવોને લઇ ગુજરાત સહિત દેશભરમાં રોષની લાગણી ફેલાયેલી છે ત્યારે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ(અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે પેટ્રોલિયમ પ્રોડક્ટ પેટ્રોલ, ડિઝલની સાથે સાથે સીએનજી, પીએનજીનો જીએસટી કાઉન્સીલે તાત્કાલિક ધોરણે જીએસટીમાં સમાવેશ કરવો જોઇએ. જો કેન્દ્ર સરકાર દ્વારા તાકીદે પેટ્રોલ-ડિઝલ, સીએનજી-પીએનજીનો જીએસટીમાં સમાવેશ નહી કરાય તો, સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં મતદાર ગ્રાહક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે અને નોટાનું એલાન આપી કોઇપણ મતદારને ચૂંટણીમાં કોઇપણ પક્ષના ઉમેદવારને મત નહી આપવા અપીલ કરી વોટબંધી કરાશે એવી ચીમકી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાઇ હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ (અખિલ ભારતીય)ના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સીલ દ્વારા જીએસટીના સ્લેબમાં તા.૧૫મી નવેમ્બરથી ઘટાડાની જાહેરાત કરાઇ છે પરંતુ કેન્દ્ર સરકારના નાણામંત્રી અને પેટ્રોલિયમ પ્રધાને પેટ્રોલ-ડિઝલ ભાવના વેચાણભાવમાં કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડયુટી અને રાજય સરકારોનો વેટનો ટેક્સ નાબૂદ કરીને પેટ્રોલ-ડિઝલનો જીએસટીમાં સમાવેશ કરવાની એકથી વધુ વખત જાહેરાતો કરી હતી પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. સરકારની ગ્રાહક વિરોધી નીતિ ખુલ્લી પડી ગઇ છે. દેશના સવા સો કરોડ ગ્રાહકો આર્થિક શોષણ કરવાની કાર્યપધ્ધતિનો ભોગ બની રહ્યા છે. વન નેશન, વન ટેક્સનું સૂત્ર માત્ર કાગળ પર જ અને ફારસરૂપ બની ગયું છે. પેટ્રોલ-ડિઝલનો જીએસટીના સ્લેબમાં સમાવેશ કરાય તો, લિટરે રૂ.૨૦નો ફેર પડી જાય. સરકારનો વેટ અને એક્સાઇઝ બેફામ ઉંચો હોવાથી પેટ્રોલનો વેચાણભાવ રૂ.૬૮.૫૦ સુધી પહોંચ્યો છે અને તેથી કેન્દ્ર સરકારે શ્વેતપત્ર જારી કરવુ જોઇએ એમ મુકેશ પરીખે જણાવ્યું હતું.