અમદાવાદ,તા.રર
આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવો ક્રમશઃ ઘટી રહ્યા છે. છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે. તેની વિરૂધ્ધમાં કોંગ્રેસ દ્વારા આજે ભારે દેખાવો કરતાં ચક્કાજામ થઈ ગયો હતો. કોંગી કાર્યકરો અમદાવાદ કલેકટરને આવેદનપત્ર પાઠવવા ગયા હતા. સામી ચૂંટણીએ કોંગ્રેસના વિરોધથી સરકાર ગભરાઈ જેથી વિરોધ કરનારાઓને પોલીસે લાઠીચાર્જ કરતાં દોડધામ થઈ હતી. પોલીસના લાઠીચાર્જમાં અનેક કાર્યકરોને ઈજાઓ પહોંચી હતી. લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરો ઉપર પોલીસની દમનગીરીથી રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસની દમનગીરી નીતિના વિરોધમાં કોંગી કાર્યકરો ધરણા ઉપર બેસી ગયા હતા.
અખિલ ભારતીય કોંગ્રેસના મંત્રી અને પ્રભારી વર્ષાબેન ગાયકવાડની ઉપસ્થિતિમાં અને અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલની અધ્યક્ષતામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે દેખાવો કરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શાંતિથી સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરો ઉપર ત્રણ-ત્રણ વખત લાઠીચાર્જ કરવામાં આવ્યો જેની સામે કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ કલેકટર કચેરી બહાર અખિલ ભારતીય ધરણા ઉપર બેઠા હતા. આ કાર્યક્રમમાં વર્ષાબેન ગાયકવાડએ કલેકટરને રજૂઆત કરતા જણાવેલું કે, સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં લોકશાહીમાં અમો દેશની પ્રજાને અવાજ આપની સમક્ષ રજૂ કરવા માટે આવ્યા ત્યારે બહાર પ્રદર્શન કરી રહેલા કાર્યકરો ઉપર પોલીસ દ્વારા કોઈ કારણ વગર લાઠીચાર્જ કરવામાં આવેલો જેની તપાસ કરીને જવાબદાર અધિકારી વિરુધ્ધ પગલાં લેવાની માગણી કરી હતી. તેમજ ડીઝલના ભાવ ઓછા કરવા માટે આપના દ્વારા સરકારને જાણ કરશો તેવી માગણી કરી હતી.
અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતન રાવલે રજૂઆત કરતા જણાવેલું કે, કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન પેટ્રોલ-ડીઝલના ભાવ વધે ત્યારે રસ્તા ઉપર ઉતરી આવતા હતા આજે જયારે તેમની સરકારમાં ભાવ વધે ત્યારે તેમના મંત્રીઓ સ્ટેટમેન્ટ આપીને કહે છે કે ભાવ વધવાથી લોકો ભૂખે નહીં મરે પેટ્રોલ-ડીઝલ ઉપર નાખેલ ટેક્ષ ઓછો કરીને સસ્તા ભાવે પેટ્રોલ-ડીઝલ આપવાની માગણી કરી હતી.
અ.મ્યુ. કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવેલુ કે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરતા કોંગ્રેસના કાર્યકરો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને ગેરવ્યાજબી વર્તન કરવાનું પગલું અયોગ્ય છે. વિરોધ કરતા કોંગી કાર્યકરો ઉપર પોલીસે લાઠીચાર્જ કરતા માહોલ ગરમાયો હતો. ત્યાર બાદ કોંગી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે લાઠીચાર્જમાં વિરોધમાં કોંગી કાર્યકરો ધરણા ઉપર બેસી ગયા હતા.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના શહેરપ્રમુખ ચેતન રાવલ, અખિલ ભારતીય કોંગ્રેસના મંત્રી વર્ષાબેન ગાયકવાડ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, એએમસીના વિપક્ષના નેતા દિેનેશ શર્મા સહિતના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અમદાવાદના કલેકટર અવંતિકાસિંઘને આવેદનપત્ર પાઠવ્યું હતું.
એઆઈસીસીના પ્રભારી મંત્રી વર્ષાબેન ગાયકવાડની આગેવાનીમાં અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય શૈલેષ પરમાર, અમદાવાદ વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા, હિંમતસિંહ પટેલ, રાજકુમાર ગુપ્તા, પંકજ શાહ, બદરૂદ્દીન શેખ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ૧૦,૦૦૦થી વધુ કોંગ્રેસી કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.