(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઇંધણોના વધતા ભાવો પર અંકુશ મુકવા એક્સાઈઝ ડ્યુટીમાં ૧.૫૦ રૂપિયા અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પરના સરકારી ટેક્ષમાં એક રૂપિયાનો ઘટાડો કરાયો હતો, બાદમાં રાજ્યોએ પણ ટેક્ષમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરતા હવે ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને આસામમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે.
તાજેતરમાં પેટ્રોલ ડીઝલમાં સતત એકધારા વધી રહેલા ભાવ વધારાથી આમ જનતા ત્રસ્ત હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદથી આમ આદમીને આંશિક રાહત મળવાની શક્યતા છે. પરંતુ અત્યાર સુધી કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ૧૫ રૂપિયા સુધીનો વધારો કર્યો છે ત્યારબાદ પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝસના ભાવમાં આ કાપથી કેન્દ્ર સરકારની તિજોરી પર ૧૦ હજાર ૫૦૦ કરોડનો બોઝ પડશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પણ વેટમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલમાં રાહત આપી શકે છે. ડીઝલ પર પણ ત્યારે એક્સાઈઝ ડ્યુટી રૂ.૩.૫૬ પ્રતિ લિટર હતી જે આજે રૂ. ૧૫.૫૩ કરવામાં આવેલ છે. આ સ્થિતિ ત્યારે જ્યારે ઓક્ટોબર ૨૦૧૭માં બંને ઉત્પાદન પર ટેક્સમાં ૨-૨ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે કેન્દ્રની આવકનો સૌથી મોટો સ્ત્રોત પણ પેટ્રોલ-ડીઝલ જ છે. જેથી તેને ય્જી્‌ ના ડાયરમાં પણ હાલમાં લાવવામાં આવી રહ્યું નથી.
નાણાંપ્રધાનની જાહેરાત બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશે ૨.૫૦ રૂપિયા વેટ ઘટાડવાની જાહેરાત કરી દીધી છે. ત્રિપુરા અને છત્તીસગઢ, ઝારખંડે પણ ૨.૫૦ રૂપિયા પેટ્રોલ અને ડિઝલ સસ્તું કરી દીધું છે. ગુજરાત સરકારે વેટમાં મહત્વનો ઘટાડો કર્યો છે. રૂ.૨.૫૦નો વેટમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કરતાં ઝ્રસ્ રૂપાણીએ ટ્‌વીટ કરીને ઘટાડા અંગેની મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં કુલ ૫ રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારની અપીલ બાદ રાજ્ય સરકારે મહત્વનો ઘટાડો કર્યો છે. ૨.૫ રૂપિયા ઘટાડવાની જાહેરાત સૌથી પહેલા ગુજરાતે કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્રની ટેકસ ઘટાડવાની અપીલને પગલે ગુજરાતે ટેકસ ઘટાડ્યાં છે. પેટ્રોલ અને ડિઝલમાં ૫ રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્ર અને રાજય સરકારનાં અઢી -અઢી રૂપિયાનો ઘટાડો કર્યો છે. આગામી સમયમાં ભાજપ શાસિત અન્ય રાજ્યો પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે તેવી વકી છે. ઇંધણની વધતી જતી કિંમતથી ખેડૂતોની પહેલેથી ખરાબ સ્થિતિ વધુ ખરાબ બનવાની શક્યતા છે. ખાસ કરીને રવી પાક પર તેની વધુ અસર પડે છે. ડીઝલ હાલમાં ઉચ્ચ કિંમત પર વેચાય છે. ડીઝલનો કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ટ્રેકટર દ્વારા ખેતર ખેડવાથી લઇને સિંચાઈના પમ્પસેટ સુધી બધુ ડીઝલથી જ ચાલે છે. જેથી ડીઝલનો વધતો ભાવ ખેડૂતોને અસર કરે છે. પેટ્રોલ પર સૌથી ઓછો વેટ ૧૬.૬૨ ટકા ગોવામાં છે જ્યારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૩૯.૪૮ ટકા જેટલો છે. કુલ ૨૮ રાજ્યોમાં આ દર ૨૫ થી ૩૫ ટકા વચ્ચે છે. ડીઝલમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. ૧૩ રાજ્યોમાં વેટનો દર ૨૦ ટકાથી વધારે છે. આ હિસાબે જો જોવામાં આવે તો એપ્રિલ ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં માત્ર ૪૫ મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે રૂ. ૧૪,૬૭,૪૬૨ કરોડની આવક એકત્ર કરી છે. જેમાં કેન્દ્રનો હિસ્સો ૮ લાખ કરોડની આસપાસ છે. ગુજરાતમાં પણ પેટ્રોલ ૨૫.૪૫ ટકા અને અને ડિઝલ પર ૨૫.૫૫ ટકા વેટ લાગે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરી ભડકો, દિલ્હીમાં પેટ્રોલ ૮૪ રૂપિયા થયું, મુંબઇમાં ડીઝલ પહેલી વાર ૮૦ને પાર

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો સતત ચાલુ છે. ગુરુવારે પણ ઇંધણના ભાવોમાં વધારો થયો છે અને આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવો નવા વિક્રમી સ્તરે પહોંચી ગયા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૧૫ પૈસા અને ડીઝલ ૨૦ પૈસા પ્રિત લિટર મોંઘા થઇ ગયા છે. આ ભાવ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ વધીને લિટર દીઠ ૭૫.૪૫ થઇ ગયો છે. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો ન હતો પરંતુ ગુરુવારે ભાવમાં ફરી વધારો થયો છે. આ વધારા પછી દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમતમાં ૧૪ પૈસાના વધારા સાથે પેટ્રોલ માટે ગ્રાહકોએ લિટર દીઠ ૯૧.૩૪ રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં ડીઝલ પણ ૮૦ રૂપિયાને પાર થઇ ગયું છે. મુંબઇમાં ગુરૂવારે ડીઝલના ભાવમાં લિટરે ૨૧ પૈસાનો વધારો થતાની સાથે ડીઝલનો ભાવ પ્રતિ લિટરે ૮૦.૧૦ રૂપિયા થઇ ગયો છે.

કેન્દ્રના ઇંધણોના ભાવઘટાડાને કોંગ્રેસે ચૂંટણીઓ
પહેલાં ‘ગભરાટની પ્રતિક્રિયા’ ગણાવી

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતથી પરેશાન લોકોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. સરકારની આ જાહેરાત પર કોંગ્રેસે ચૂંટણીનો કરાર ગણાવ્યો છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે આ નિર્ણય ચાર રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓને પગલે લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. કોંગ્રેસે કહ્યું કે લોકો પરેશાન હતા, ત્યારે સરકાર તેલ કપંનીઓ ફાયદા કરાવતી હતી. કોંગ્રેસ પ્રવકતાએ કહ્યું કે ચૂંટણી નજીક છે અને લોકો તેમને પાઠ શીખવા જઈ રહ્યા છે, આ ડરના કારણે સરકારે ઘટાડો કર્યો છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી સતત તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો હતો. જેના કારણે લોકો પરેશાન હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકાર તરફથી ૧૦ રૂપિયા સુધીના ઘટાડાની માગણી કરી છે અને કહ્યું હતું કે, અમારા રાજ્યે એક મહિના પહેલા જ લોકોને પેટ્રોલની કિંમતમાં એક રૂપિયો રાહત આપી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે જ્યારે ઇંધણોની કિમતમાં ૧૦ રૂપિયા ઘટાડો કરવાની જરૂર હતી ત્યારે ફક્ત ૨.૫૦ રૂપિયા ઘટાડો કર્યો છે જે અત્યંત શરમજનક છે.