(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૧
કેન્દ્રની યુપીએ સરકારને મોંઘવારી અને ભાવવધારા મુદ્દે વારંવાર ભાંડનાર એનડીએ સરકાર સત્તામાં આવ્યા બાદથી પેટ્રોલ-ડીઝલના ભાવો સળગી રહ્યા હોઈ દેશભરમાં તે અંગે વ્યાપક વિરોધ ઊભો થઈ જવા પામ્યો છે. ત્યારે આ મુદ્દે કેન્દ્રના મંત્રીના જે તે રાજ્ય સરકારો પોતાના ટેક્સ ઘટાડી પ્રજાને ફાયદો કરાવી શકે તેવા નિવેદનને પગલે ગુજરાતમાં પણ ટેક્સ ઘટાડવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પૂછવામાં આવતો તેમણે ગુજરાતમાં દારૂની આવક થતી નથી તેમ જણાવી આડકતરી રીતે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ટેક્સ ઘટાડાની શકયતા નકારી કાઢતા કહ્યું હતું કે, દેશના રાજ્યો જેમ કરશે તેમ અમે કરીશું. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે રોષની લાગણી વ્યાપી છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ કહી દીધું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ કેન્દ્ર સરકાર નહીં ઘટાડે. રાજ્યો પોતાના ટેક્સ ઘટાડી તે રાજ્યના લોકોને ભાવ ઘટાડો આપી શકે છે ત્યારે આજે ગુરૂવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સરકારને માત્ર પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી આવક થાય છે. ગુજરાતમાં દારૂબંધી છે તેથી અન્યો રાજ્યોમાં જેમ દારૂના ટેકસની આવક થાય છે તેવી આવક ગુજરાતમાં થતી નથી. ગુજરાત દારૂમાંથી આવી આવક કરવા પણ માંગતું નથી. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ટેક્સ ઘટાડાય તો આવક ઘટી જતી હોઈ તેમ કરી શકાય નહીં. ગુજરાત સરકાર ટેક્સમાં ઘટાડો કરશે નહીં તે અંગે નીતિન પટેલે કહ્યું હતું કે, દેશ કરે એમ અમે કરીશું. આમ નીતિન પટેલે આડકતરી રીતે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની શક્યતાને નકારી કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી ગુજરાતમાં દારૂબંધી હોઈ તેના ટેક્સની આવક થતી ન હોવાનું કહે છે તો રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ધૂમ દારૂનું વેચાણ થાય છે અને તેની આવક પોલીસથી લઈને રાજકારણીઓના ખિસ્સામાં જાય છે તેનું શું ? તેવા પ્રશ્નો પણ પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે. વિકાસ અને પ્રગતિ તથા અધ્ધરતામાં આગળ હોવાનો દાવો કરતી ગુજરાત સરકાર અન્ય ઘણા સ્ત્રોતોમાંથી આવક ટળી શકે તેમ છે. ત્યારે ડિઝલ-પેટ્રોલના ટેક્સને ઘટાડીને સામાન્ય વર્ગને રાહત કેમ આપતી નથી તેવા પ્રશ્નો પણ લોકોમાં ઉભા થઈ રહ્યા છે.

 

પેટ્રોલનો ભાવ હાલ રૂા.૭રને બદલે ૩ર રૂા. લીટર હોવો જોઈએ
જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે વર્ષ ર૦૧રમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલદીઠ ૧૧૧.૬૭ ડોલર હતો. ત્યારે દેશમાં પેટ્રોલનો ભાવ ૬૮.૪૬ રૂપિયા હતો. આમ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ ઊંચો હોવા છતાં યુપીએની સરકાર દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા ભાવે આપતી હતી. હાલ કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે ર૦૧૭માં ક્રૂડ ઓઈલનો વેશ્વિક સ્તરે ભાવ ૪૯.૯૪ ડોલર પ્રતિ બેરલ દિઠ છે. ત્યારે આજે દેશમાં પેટ્રોલનો ભાવ ૭૧-૭ર રૂપિયા છે. તે જ બતાવે છે કે કઈ સરકાર સારી છે. હાલ ક્રૂડ ઓઈલનો ભાવ વૈશ્વિક સ્તરે અડધાથી પણ ઓછો છે ત્યારે યુપીએ સરકારના ૬૮ રૂપિયાના ભાવ પ્રમાણે દેશમાં પેટ્રોલ પણ લગભગ ૩ર રૂપિયાની આસપાસ મળવું જોઈએ તેવું સમગ્ર દેશની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.